<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

હવે બેંકિંગ સરળ બનશે...જન ધન- રી-KYC થી રોકાણ સુધી બધું જ સરળ બનશે

સામાન્‍ય લોકો માટે RBIની ૩ મોટી જાહેરાતો : સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચશે

નવી દિલ્‍હી, તા.૬: રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્‍હોત્રાએ ઓગસ્‍ટમાં મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ સામાન્‍ય લોકો માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી. આ યોજનાઓનો હેતુ દરેક વ્‍યક્‍તિને, ખાસ કરીને જે લોકો અત્‍યાર સુધી તેનાથી દૂર રહ્યા છે તેમને બેંકિંગ અને રોકાણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગવર્નરે કહ્યું, દરેક નાગરિકનું કલ્‍યાણ, ખાસ કરીને સમાજના છેલ્લા વ્‍યક્‍તિની મદદ કરવી, RBI ની સૌથી મોટી જવાબદારી છે.ૅ આ યોજનાઓ લોકોને બેંકિંગ અને રોકાણ સાથે જોડવાનું સરળ બનાવશે.

૧. રી - KYC સુવિધા હવે તમારા ઘરઆંગણે પહોંચશે : પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન, લાખો લોકોએ બેંક ખાતા ખોલ્‍યા. પરંતુ હવે આમાંના મોટાભાગના ખાતાઓને ફરીથી KYC  ની જરૂર છે, જે એક જરૂરી પ્રક્રિયા છે. હવે લોકોને બેંકમાં જઈને લાઈનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. ૧ જુલાઈથી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી, પંચાયત સ્‍તરે કેમ્‍પ યોજાશે, જ્‍યાં ગામડાઓમાં સીધા જ રી-કેવાયસીની સુવિધા આપવામાં આવશે.

આ કેમ્‍પોમાં રી-કેવાયસીની સુવિધા ઉપલબ્‍ધ થશે જ, પરંતુ નવા બેંક ખાતા પણ ખોલવામાં આવશે. આ સાથે, લોકોને માઇક્રોફાઇનાન્‍સ અને પેન્‍શન યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે, જેથી તેઓ આ સુવિધાઓનો લાભ લઈ શકે. આ ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદો સ્‍થળ પર સાંભળીને તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ બધા પ્રયાસોથી ગામના લોકોને મોટી રાહત મળશે અને તેમના ઘરની નજીક બેંકિંગ સેવાઓ ઉપલબ્‍ધ થશે.

૨. કોઈના મળત્‍યુ પછી બેંકમાંથી પૈસા કે લોકર વસ્‍તુઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનશેઃ આજકાલ, જો કોઈ ખાતાધારકનું મળત્‍યુ થાય છે, તો તેના પરિવારના સભ્‍યોને બેંકમાંથી પૈસા કે લોકર વસ્‍તુઓ મેળવવા માટે ઘણા દસ્‍તાવેજો સબમિટ કરવા પડે છે અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. દરેક બેંકના પોતાના નિયમો હોય છે, જેના કારણે લોકોને ઘણી મુશ્‍કેલી પડે છે.હવે RBI એક સમાન અને સરળ પ્રક્રિયા લાવવા જઈ રહી છે, જેના હેઠળ બધી બેંકોમાં સમાન દસ્‍તાવેજો માંગવામાં આવશે અને દાવો કરવા માટે એક નિશ્‍ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. આનાથી મળતક ખાતાધારકના પરિવારના સભ્‍યો બેંક ખાતા કે લોકરમાં રાખેલી વસ્‍તુઓ ઝડપથી અને સરળતાથી મેળવી શકશે. આ નવી સિસ્‍ટમ લોકોને દુઃખના સમયમાં મોટી રાહત આપશે અને તેમને વિવિધ બેંકોના નિયમોમાં ફસાઈને અહીં-ત્‍યાં ભટકવું પડશે નહીં.

૩. હવે નાના રોકાણકારો પણ SIP દ્વારા સરકારી બોન્‍ડમાં રોકાણ કરી શકશે. : RBI એ ૨૦૨૧ માં ‘રિટેલ ડાયરેક્‍ટ' નામની સુવિધા શરૂ કરી હતી, જેમાં સામાન્‍ય લોકો RBI પાસેથી સીધા સરકારી બોન્‍ડ (સરકારી સિકયોરિટીઝ) ખરીદી શકે છે. હવે RBI તેમાં વધુ સુવિધા ઉમેરવા જઈ રહી છે. હવે નાના રોકાણકારો પણ SIP (સિસ્‍ટમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) દ્વારા ટ્રેઝરી બિલ એટલે કે સરકારના ટૂંકા ગાળાના બોન્‍ડમાં દર મહિને થોડું રોકાણ કરી શકશે.

આનાથી સામાન્‍ય લોકોને સરકારી રોકાણના સુરક્ષિત વિકલ્‍પો મળશે અને તેઓ નિયમિતપણે રોકાણ કરવાની ટેવ પણ વિકસાવશે. SIP દ્વારા રોકાણ કરવું એકદમ સરળ છે, કારણ કે આમાં નિશ્‍ચિત રકમ આપમેળે નિશ્‍ચિત તારીખે રોકાણ કરવામાં આવે છે. આ પદ્ધતિ ફક્‍ત અનુકૂળ નથી, પરંતુ નાના રોકાણકારો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.(

(3:32 PM IST)