News of Wednesday, 6th August 2025
ગંગોત્રી ધામ જવા નીકળેલા ૨૮ પ્રવાસી ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા
તમામના પરિવારો ચિંતામાં:કેરળના ૨૮ પ્રવાસીઓ ગંગોત્રી ધામ જવા નીકળ્યા હતા

ઉત્તરકાશી, તા.૬
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફતમાં કેરળના ૨૮ પ્રવાસીઓ ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ઉત્તરકાશીમાં ગઈકાલે વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, આ ઉપરાંત ભારે વરસાદના કારણે પર્વતનો અડધો ભાગ ધસી પડતા અનેક મકાનો-હોટલો કાદમાં દટાઈ ગયા હતા. લાપતા થયેલા પ્રવાસીઓના સંબંધીઓએ મીડિયાને કહ્યું કે, કેરળના ૨૮ પ્રવાસીઓ ગંગોત્રી ધામ જવા નીકળ્યા હતા અને રસ્તામાં ધરાલી ગામમાં રોકાયા હતા. તેઓ સવારે ગંગોત્રી જવા નિકળવાના હતા, જોકે હવે તેમની કોઈ ભાળ મળી રહી નથી. કદાચ તેઓ કુદરતી આફતની ચપેટમાં આવી ગયા છે.
ગુમ પ્રવાસીઓના સંબંધીઓએ કહ્યું કે, એક દિવસ પહેલા જ સંબંધીઓ સાથે વાત થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ગંગોત્રી જઈ રહ્યા છે. અમને માહિતી મળી છે કે, તેઓ જે રસ્તા પર હતા, ત્યાં જ ભૂસ્ખલન થયું છે. હવે તેમની સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. તેઓ કુદરતી આફતની ઝપેટમાં આવ્યા હોવાની કે પછી ફોનનું નેટવર્ક ન હોવાની કે બેટરી પૂરી થઈ ગઈ હોવાની સંભાવના છે. તેઓએ ઉત્તરાખંડ સરકારને અપીલ કરી છે કે, તેઓ ૨૮ પ્રવાસીઓની શોધખોળ કરે.
ઉત્તરકાશી જિલ્લાના ધરાલી નજીક ગઈકાલે ખીર ગંગા નદી પર વાદળ ફાટવાના કારણે પૂર આવતા ત્યાંની ૨૦-૨૫ હોટેલ, હોમ સ્ટે, ઘરો અને ઝાડ તણાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ૫૦થી ૧૦૦ લોકો લાપતા છે. પરિણામે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજીબાજુ જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે ઉત્તરકાશીમાં માત્ર અઢી કલાકના સમયમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, જેના પગલે ધરાલીમાં ભારે વિનાશ વેરાયો હતો. આ સિવાય વરસાદે ઉત્તર ભારતમાં હિમાચલ, રાજસ્થાનથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
