પાકિસ્તાનના ક્રિકેટરની ઇંગ્લેન્ડમાં બળાત્કારના આરોપમાં ધરપકડ
બેટ્સમેન હૈદર અલીની ધરપકડ કરાઈઃગ્રેટર માન્ચેસ્ટર પોલીસે બળાત્કારનો રિપોર્ટ મળ્યાની પુષ્ટિ કરી છે : ૨૪ વર્ષીય હૈદર એ ટીમનો સભ્ય છે

માન્ચેસ્ટર, તા.૮
પાકિસ્તાન ક્રિકેટ અને વિવાદોનો ખૂબ જૂનો સંબંધ છે. ક્યારેક ત્યાંના ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં પકડાય છે તો ક્યારેક તેઓ બોલ સાથે છેડછાડ કરતા જોવા મળે છે. હવે ત્યાંના એક ક્રિકેટરની ઇંગ્લેન્ડમાં બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બેટ્સમેન હૈદર અલીની ધરપકડ બાદ પાકિસ્તાન ક્રિકેટ એક નવા વિવાદમાં ફસાઈ ગયું છે. આ ઘટના પાકિસ્તાન શાહીનના યુનાઇટેડ કિંગડમના ચાલી રહેલા પ્રવાસ દરમિયાન બની હતી.
૨૪ વર્ષીય હૈદર એ ટીમનો સભ્ય છે. આ ઘટના બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ તેને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધો છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે બળાત્કારનો રિપોર્ટ મળ્યાની પુષ્ટિ કરી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, *અમે ૨૪ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે આ ઘટના ૨૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ માન્ચેસ્ટરના એક સંકુલમાં બની હતી. વધુ પૂછપરછ માટે આ વ્યક્તિને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડમાં પોલીસ સામાન્ય રીતે તપાસના આ તબક્કે શંકાસ્પદોના નામ આપતી નથી. ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ અનુસાર, હૈદરને બેકનહામ ગ્રાઉન્ડ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં શાહીન MCSAC સામે રમી રહ્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, *આ એક પાકિસ્તાની મૂળની યુવતી પર બળાત્કારનો કેસ છે.* પોલીસે હૈદરને જામીન પર મુક્ત કરતા પહેલા તેનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો.
PCBના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, *અમને આ બાબત અને તપાસ વિશે જાણ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમે હૈદરને સસ્પેન્ડ કરી દીધો છે અને અમે યુકેમાં અમારી પોતાની તપાસ કરીશું.* તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોર્ડ કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે અને હૈદરને કાયદાકીય સહાય પૂરી પાડશે.
શાહીનનો યુકે પ્રવાસ ૧૭ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી ચાલ્યો હતો, જેમાં બે ત્રણ દિવસીય મેચ ડ્રો રહી હતી અને વન-ડે શ્રેણીમાં એક જીત (૨-૧) રહી હતી. કેપ્ટન સઈદ શકીલ અને હૈદર સિવાય મોટાભાગના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. હૈદરે ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પાકિસ્તાન માટે બે ODI અને ૩૫ T20 રમી છે. તેણે ૨૦૨૧ PSL દરમિયાન COVID-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
