News of Monday, 11th August 2025
કોંગ્રેસના મોટા ગજાના નેતા આનંદ શર્માએ વિદેશ વિભાગના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું: કહ્યું કે પક્ષમાં યુવાનોને આગળ લાવવા માટે સમિતિનું પુનર્ગઠન જરૂરી છે

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના વિદેશ વિભાગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પાઠવેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ યુવા નેતાઓને તક આપવા માટે આ પદ છોડી રહ્યા છે. શર્માએ જણાવ્યું કે, 'પક્ષમાં યુવાનોને આગળ લાવવા માટે સમિતિનું પુનર્ગઠન જરૂરી છે.'
આનંદ શર્મા છેલ્લા એક દાયકાથી આ પદ પર હતા અને કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેઓ પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા, કોંગ્રેસ વર્કિંગ કમિટી, (સી ડબલ્યુ સી)ના સભ્ય તરીકે યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાજકીય સ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી આપવા માટે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય પણ હતા. તેમના આ રાજીનામાથી કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારોની શક્યતાઓ વધી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
