<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ટ્રમ્‍પ ટેરિફની ‘‘હવા કાઢી નાખવા'' ભારતની ત્રી-સ્‍તરીય યોજના

મોદી સરકારે કરી જોરશોરથી તૈયારીઃ પીએમ મોદી ખુદ મેદાનમાં ઉતરશેઃ ઇન્‍ટરનેશનલ-ડોમેસ્‍ટિક બિઝનેસ લીડરોને મળશેઃ ભારતમાં રોકાણ કરવા જણાવશે : વાણીજય-ઉદ્યોગ મંત્રાલય ટ્રમ્‍પ ટેરિફથી પ્રભાવિત મુખ્‍ય નિકાસકાર રાજયોનો સંપર્ક કરશેઃ નિકાસકારોને રાહત આપવા સરકાર તૈયાર

 

નવી દિલ્‍હી તા.૧૨: ટેરિફ યુદ્ધમાં ભારત અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા ખેંચતાણ વચ્‍ચે વેપાર વાટાઘાટોના આગામી તબક્કા અંગે હજુ પણ મૂંઝવણ છે. યુએસ પ્રતિનિધિઓ ૨૫ ઓગસ્‍ટે વેપાર વાટાઘાટો માટે ભારત આવવાના છે. તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વેપાર વાટાઘાટોને એમ કહીને મુલતવી રાખી હતી કે જ્‍યાં સુધી બંને દેશો વચ્‍ચે વેપાર મડાગાંઠ રહેશે ત્‍યાં સુધી કોઈ વાટાઘાટો થશે નહીં. જોકે વહીવટી સ્‍તરે, બંને દેશો વેપાર વાટાઘાટોને આગળ વધારવાના સત્તાવાર વલણ પર અડગ છે, પરંતુ આ દિશામાં કોઈ -ગતિ દેખાતી નથી. દરમિયાન, ભારત સરકારે ‘‘ટ્રમ્‍પ ટેરિફ'' (૨૫% ડ્‍યુટી ૨૫% દંડ = ૫૦%) સામે તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ત્રણ-પોઇન્‍ટ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

એવા અહેવાલો મળે છે કે પીએમ મોદી આવતા મહિનાઓમાં ઘર આંગણાના તથા ઇન્‍ટરનેશનલ એમ બંને ઉદ્યોગ માંધાતાઓને મળશે કે જેથી વૈશ્‍વિક અનિશ્‍ચતતાના માહોલમાં ‘‘મેક ઇન ઇન્‍ડિયા''ને આગળ ધપાવી શકાય અને આર્થિક વિશ્‍વાસ પૂનઃ સંપાદન કરી શકાય. જેમાં ઉદ્યોગપતિઓને એવું જણાવાશે કે ભારત વૈશ્‍વિક નેતૃત્‍વ લઇ શકવાની તાકાત ધરાવે છે. એટલું જ નહિ ભારત વૈશ્‍વિક વિકાસમાં પણ મહત્‍વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

સરકાર એવું વાતાવરણ ઉભું કરવા માંગે છે કે વિદેશી ઇન્‍વેસ્‍ટરો ભારત તરફ આકર્ષાય અને સુરક્ષિત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સ્‍થળ બને. ભારતે આ માટે ભરપૂર તૈયારી કરી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલય ટૂંક સમયમાં ટ્રમ્‍પ ટેરિફથી પ્રભાવિત મુખ્‍ય નિકાસકાર રાજ્‍યોનો સંપર્ક કરશે જેથી શ્રમ-સઘન ઉદ્યોગોને ટેકો મળી શકે. નિકાસકારોનું કહેવું છે કે યુએસ ડ્‍યુટી વધારાથી ભારતની નિકાસના લગભગ ૫૫ ટકા પર અસર થશે. ખાસ કરીને કાપડ અને ચામડાના નિકાસકારોને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે આ સમયે સામાન્‍ય રીતે તહેવારો માટે ઓર્ડર આપવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર પહેલાથી જ નિકાસકારોને રાહત આપવા માટે વિકલ્‍પો શોધી રહ્યું છે. જોકે, રાજ્‍યોને પણ પોતાના સ્‍તરે પગલાં લેવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવશે, કારણ કે આ રાજ્‍યોના રોજગાર અને અર્થતંત્ર પર સીધી અસર પડશે. આ માટે, ટૂંક સમયમાં આ રાજ્‍યોને પત્રો મોકલવામાં આવશે.

નિકાસ પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છેઃ બીજી તરફ, આર્થિક નિષ્‍ણાતો કહે છે કે ટ્રમ્‍પ ટેરિફ ભારતીય નિકાસ બજારને આંચકો આપી શકે છે. તેની અર્થતંત્ર પર પણ ખરાબ અસર પડશે. ભારતે હવે યુએસમાં નિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત ન કરવું જોઈએ, પરંતુ અન્‍ય દેશો સાથે નિકાસ સંતુલિત કરવાની જરૂર છે. યુએસમાં નિકાસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અન્‍ય દેશોમાં તકો શોધી શકાય છે, પરંતુ આમાં વધુ સફળતા મળવાની કોઈ શકયતા નથી. તેથી, લાંબા ગાળાની વ્‍યૂહરચના તરીકે, ભારતે હવે નિકાસ વ્‍યવસાય પર નિર્ભરતા ઘટાડીને સ્‍થાનિક વેપારને પ્રોત્‍સાહન આપવા પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ. આ માટે, અસંગઠિત ક્ષેત્રને પ્રોત્‍સાહન આપવું પડશે. ઉપરાંત, કળષિ અને સૂક્ષ્મ ક્ષેત્ર પર ખાસ ધ્‍યાન આપવાની જરૂર છે. સ્‍થાનિક વપરાશને પ્રોત્‍સાહન આપતી નીતિઓ પર કામ કરવાની જરૂર છે. આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે, આત્‍મનિર્ભરતા પર ધ્‍યાન આપવું જોઈએ.

જીડીપી પર ટેરિફની અસરઃ ટેરિફની ભારતના અર્થતંત્ર પર વધુ અસર નહીં પડે. ભારતની અમેરિકામાં થતી નિકાસ કુલ ભારતીય જીડીપીના માત્ર ૨-૩% છે. તેથી, નિષ્‍ણાતોનો અંદાજ છે કે જો આ ટેરિફ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો પણ ભારતીય જીડીપી પર તેની અસર માત્ર ૦.૨-૦.૩ ટકા જ રહેશે. આ પરિસ્‍થિતિનું બીજું પાસું એ છે કે ભારતની સ્‍થાનિક માંગ એટલી મજબૂત છે કે તે કોઈપણ બાહ્ય આંચકાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે.

આ વ્‍યૂહરચના

૧ ખાસ ક્ષેત્રવાર સહાય યોજના (૨,૨૫૦ કરોડના પ્રસ્‍તાવિત નિકાસ પ્રમોશન મિશન હેઠળ).

૨ વધારાના માલ માટે નવા વિદેશી બજારો શોધવા.

૩ સ્‍થાનિક માંગને પહોંચી વળવા માટે માલનું પુનઃનિર્દેશન.(૩૮.૧૪)

(3:38 PM IST)