News of Tuesday, 12th August 2025
"10 લાખથી વધુ મિસ્ડ કૉલ... વૉટચોરી વિરુદ્ધ અભિયાન હવે મોટું જનઆંદોલન બની ગયું છે," રાહુલ ગાંધીનો દાવો
આજે આ હિન્દુસ્તાનના લોકતંત્રની સાચી તસ્વીર છે, જ્યાં દબાયેલા અવાજો અમારા અભિયાન દ્વારા સામે આવી રહ્યા છે. વૉટચોરીનો એક પણ કિસ્સો છૂટવો ન જોઈએ.: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો છે કે, તાજેતરમાં શરૂ થયેલું 'વૉટચોરી વિરુદ્ધ અભિયાન' હવે એક વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ અભિયાનના સમર્થનમાં 24 કલાકની અંદર 15 લાખથી વધુ સમર્થન પ્રમાણપત્રો ડાઉનલોડ થયા છે અને 10 લાખથી વધુ મિસ્ડ કૉલ મળ્યા છે.
ચૂંટણીમાં ગેરરીતિ અને "વૉટચોરી"ના આરોપોને લઈને કૉંગ્રેસે ચૂંટણી પંચ સામે પોતાનું અભિયાન તેજ કર્યું છે. આ માટે એક ખાસ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં લોકો આ અભિયાનને સમર્થન આપી શકે છે અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગી શકે છે. આ પોર્ટલ પર લોકો ડિજિટલ મતદાર યાદીની માંગણીને પણ સમર્થન આપી શકે છે.
રાહુલ ગાંધીએ પોતાના X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા કહ્યું કે, "આજે આ હિન્દુસ્તાનના લોકતંત્રની સાચી તસ્વીર છે, જ્યાં દબાયેલા અવાજો અમારા અભિયાન દ્વારા સામે આવી રહ્યા છે. વૉટચોરીનો એક પણ કિસ્સો છૂટવો ન જોઈએ."
પોર્ટલ પર અપલોડ કરાયેલા એક વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી પંચ વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કર્ણાટકના એક ચૂંટણી ક્ષેત્રનો ઉદાહરણ આપીને કહ્યું કે, એક જ વિધાનસભા ક્ષેત્રમાં 1 લાખથી વધુ નકલી મતદારો મળી આવ્યા હતા, જેણે ભાજપને લોકસભા બેઠક જીતવામાં મદદ કરી.
કૉંગ્રેસનું કહેવું છે કે, આ માત્ર એક ઉદાહરણ છે અને આવા કિસ્સાઓ અન્ય રાજ્યોમાં પણ સામે આવ્યા છે. કૉંગ્રેસે લોકશાહીની સુરક્ષા માટે લોકોને આ અભિયાન સાથે જોડાવવા અપીલ કરી છે.
લોકો પોર્ટલ પર જઈને "વૉટચોરીના પુરાવા" ડાઉનલોડ કરી શકે છે, ચૂંટણી પંચને સવાલ પૂછી શકે છે, અને ફરિયાદ નોંધાવી શકે છે. રજિસ્ટ્રેશન પછી, અરજદારના નામે એક પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવે છે, જેમાં લખ્યું છે કે તે વૉટચોરી વિરુદ્ધના અભિયાનને સમર્થન આપે છે. આ પ્રમાણપત્ર પર કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને કોષાધ્યક્ષ અજય માકન સહિતના નેતાઓની સહી છે. કૉંગ્રેસના અનેક નેતાઓએ પોતાના પ્રમાણપત્રો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
