<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

આગામી ઉપરાષ્‍ટ્રપતિ કોણ ? આજે NDA ઉમેદવારની જાહેરાત કરશે

ધનખડના રાજીનામાં બાદ રાજયસભાના ઉપસભાપતિ હરિવંશસિંહ સહિત અનેક નામો ચર્ચામાં : વિપક્ષ INDIA એલાયન્‍સ તરફથી સંયુકત ઉમેદવારને મેદાનમાં ઉતારશે

નવી દિલ્‍હી, તા.૧૨: શાસક NDA ના ઉપરાષ્‍ટ્રપતિ ઉમેદવાર અંગેનો સસ્‍પેન્‍સ સમાપ્ત થઈ શકે છે. એવી ચર્ચાઓ છે કે ગઠબંધન આજે ઉમેદવારના નામની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જોકે, સરકાર કે સાથી પક્ષ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્‍યું નથી. જગદીપ ધનખડના પદ પરથી રાજીનામું આપ્‍યા પછી ચૂંટણીઓ થઈ રહી છે. તાજેતરની બેઠક બાદ, NDA એ ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા પર છોડી દીધી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, એવી શકયતા છે કે NDA ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે ઉમેદવારની જાહેરાત કરી શકે છે. ૭ ઓગસ્‍ટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતળત્‍વમાં ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ પછી, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય પીએમ મોદી નડ્ડા લેશે. ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે ચૂંટણી ૯ સપ્‍ટેમ્‍બરે યોજાવાની છે.

ધનખડના રાજીનામા પછી, ઘણા ઉમેદવારોના નામો અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેમાં રાજ્‍યસભાના ઉપસભાપતિ અને જનતા દળ (યુનાઇટેડ) ના નેતા હરિવંશ સિંહ, દિલ્‍હીના લેફ્‌ટનન્‍ટ ગવર્નર વીકે સક્‍સેના, જમ્‍મુ અને કાશ્‍મીરના લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનો સમાવેશ થાય છે. જોકે, તેમના વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્‍યું નથી.

અહેવાલ મુજબ, સૂત્રો કહે છે કે વિપક્ષી ગઠબંધન INDIA એક સંયુક્‍ત ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સંભવિત નામોની ચર્ચા કરવા અને તેના પર સર્વસંમતિ બનાવવા માટે વિપક્ષી પક્ષોનો સંપર્ક કરી રહ્યા છે. ખડગેએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનમાં મજબૂત લાગણી છે કે પરિણામ ગમે તે હોય, મજબૂત રાજકીય સંદેશ મોકલવા માટે વિપક્ષી પક્ષોએ સ્‍પર્ધામાંથી પાછળ હટવું જોઈએ નહીં. જોકે, વિપક્ષી છાવણીનો એક વર્ગ માને છે કે ભાજપ દ્વારા તેના ઉમેદવારની જાહેરાત કર્યા પછી જ INDIA એ તેના ઉમેદવારનો નિર્ણય લેવો જોઈએ.

(3:34 PM IST)