<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

યોગ્ય પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રાશનકાર્ડ રદ કરાશે નહીં:,કુંવરજીભાઈ બાવળિયા

યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવે તો જે તે મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજુ કરવાથી કાર્ડ ચાલુ રહેશે:કાર્ડ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2.47 એકર સામે ગુજરાતમાં પાંચ એકર જમીનની મર્યાદા નક્કી કરવામાં આવી છે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.12 થોડા વખતથી રાજ્યમાં રાશનકાર્ડ ધડાધડ રદ થવાની ફરિયાદો બાદ અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે જણાવ્યું છે કે પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ કરાશે નહીં હા તેમણે જરૂરી આધાર પુરાવા જે તે કચેરીમાં રજૂ કરવાના રહેશે.

રાજ્યમાં શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા ચકાસણી કરવામાં આવતા કુલ 56,57,519 લાખથી વધુ કાર્ડ શંકાસ્પદ મળી આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં 15,66,492 લાખથી વધુ કાર્ડ ધારકોની ચકાસણી કરી લેવાય છે જ્યારે બાકીની ચકાસણી પણ હાલ પૂર્ણ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. 

જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 3.60,19,376 જેટલા NFSA રેશનકાર્ડના લાભાર્થીઓ છે કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા ઓનલાઇન પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટાના આધારે તપાસણી કરવામાં આવી હતી.

પુરવઠા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે NFSA કાર્ડ ધારકોની પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારે 2.47 વધુ જમીન ધરાવતા લાભાર્થીઓને આ યાદીમાં સામેલ કર્યા છે જે પૈકી 3,17,660 લાભાર્થીઓ આ યાદીમાં સામેલ છે જ્યારે ગુજરાતમાં પિયત જમીન હોય અને બે પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં પાંચ એકર તથા પિયતના સાધનો હોય છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં જમીનની મર્યાદા 7.5 એકર નક્કી કરવામાં આવી છે જેથી આ પાત્રતા મુજબ ગુજરાતનો આંકડો ધણો ઓછો રહે છે. 

કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોનું વેરિફિકેશન કરાવ્યા બાદ જે તે લાભાર્થીને મામલતદાર કક્ષાએથી જાણ કરવામાં આવે છે કે આપનું નામ ચકાસણી મુજબ નોન NFSA  કરવા પાત્ર જણાય છે ખરેખર જો કાર્ડ ધારક NFSA ની પાત્રતા ધરાવતા હોય તો પાત્રતા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે હાલ જે લાભાર્થીઓની પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ પોતાની પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવામાં આવી છે જેની સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ NFSA કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે જ્યારે યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ NFSA માંથી કમી કરી નોન NFSA માં લઈ જવામાં આવશે એટલે કોઈ પણ રેશનકાર્ડ રદ કરવામાં નહીં આવે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.


કેવી રીતે વેરિફિકેશન કરાયુ છે 

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 15,66,492 લાભાર્થીઓના કાર્ડનુ વેરિફિકેશન કરવામાં આવ્યું છે જેમાં આધાર કાર્ડની વિગતો મુજબ મૃત્યુ પામેલ હોય તેવા લોકોની સંખ્યા 1,338 સામે આવી છે,છેલ્લા છ માસથી એક વર્ષ સુધીના સમયગાળામાં એક પણ વખત કાર્ડનો ઉપયોગ ન થયો હોય તેવા 1,32,697 સાઇલેન્ટ લાભાર્થીઓ, એક વર્ષ દરમિયાન એક પણ વખત ઉપયોગ ન થયો હોય તેવા 9,76,85, ડુપ્લીકેટ નામ ધરાવતા હોય એટલે કે એક કરતાં વધુ રાજ્યમાં જેમના નામ ચાલતા હોય તેવા 3,894,ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સાથે ડુપ્લીકેટ નામ ધરાવતા 22,700,સો વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા 17,360,18 વર્ષથી નાની ઉંમર ધરાવતા અને એક સભ્ય તરીકે રેશનકાર્ડ ધરાવતા 7,806,પી.એમ. કિસાન યોજના અંતર્ગત 2.47 એકરથી વધુ જમીન ધરાવતા હોય તેવા 3,17,660,કંપનીમાં ડાયરેક્ટર તરીકે નામ ધરાવતા હોય તેવા 5496,ઇન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે છ લાખથી વધુ આવક ધરાવતા 79454 અને જી.એસ.ટી. વિભાગના ડેટા પ્રમાણે 25 લાખથી વધારે નું ટર્નઓવર ધરાવતા 2002 લાભાર્થીઓ મળી આવ્યા છે.

 

(9:26 PM IST)