<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ભાઈ ભાઈઃ લગ્નના ૧૯ વર્ષ બાદ દીકરીનો જન્‍મ થતાં ૨૧ ગામના ૮૦૦૦ લોકોને ધુમાડાબંધ જમાડયાઃ ધામધૂમથી ઉત્‍સવ મનાવ્‍યો

દીકરી પણ દીકરા જેટલી જ અનમોલ હોય છે

જિદ,તા.૧૩: હરિયાણાના જિદ જિલ્‍લામાંથી એક હૃદયસ્‍પર્શી સમાચાર આવ્‍યા છે, જ્‍યાં ૧૯ વર્ષ બાદ એક પરિવારમાં દીકરીનો જન્‍મ થયો. દીકરીના જન્‍મથી ન ફક્‍ત પરિવારમાં, પણ આખા ગામમાં ખુશીની લહેર દોડી. ગામના લોકોએ દીકરીના જન્‍મને એવી રીતે મનાવ્‍યો જાણે મોટો તહેવાર હોય.

આ વિસ્‍તારના એક ગામમાં રહેતા દંપતિને લગ્નના ૧૯ વર્ષ થઈ ચૂક્‍યા હતા, પણ આટલા વર્ષોમાં સંતાન સુખ મળી શક્‍યું નહીં. પરિવારે આશા છોડી દીધી હતી અને પોતાના જેઠનો દીકરો ખોળે લીધો હતો. પણ હવે ૧૯ વર્ષ, ૧ મહિના બાદ જ્‍યારે કોઈ સારવાર કે દવા વિના દીકરીનો જન્‍મ થયો તો પરિવારમાં ખુશીનું ઠેકાણું ન રહ્યું.

પરિવારે દીકરીનું નામ 'ભૂમિ દેવી' રાખ્‍યું અને પરંપરાગત કૂવાં પૂજનની રસમ ધામધૂમથી મનાવી. મોટા ભાગે આ રસમ દીકરાના જન્‍મ પર થતી હોય છે, પણ આ પરિવારે દીકરીના સ્‍વાગતમાં આ પરંપરા નિભાવીને એક સકારાત્‍મક મેસેજ આપ્‍યો. દીકરીના સ્‍વાગતમાં આજુબાજુના ૨૧ ગામડામાં જમણવાર રાખ્‍યો અને ૨૧ સરપંચો સહિત૮૦૦૦ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. માતાએ જણાવ્‍યું કે, ૧૯ વર્ષ બાદ મારી કોખે દીકરીનો જન્‍મ થતાં મને અસલી મા હોવાનો અનુભવ કરાવ્‍યો.

પહેલા ખોળે લીધેલા દીકરાને અમે હંમેશા અમારો માન્‍યો, પણ હવે ખુદ મા બનવાની જે ખુશી છે, તે શબ્‍દોમાં વર્ણવી શકાય તેમ નથી. દીકરીના જન્‍મને ઉત્‍સવની જેમ મનાવવી એક મિસાલ બની ગઈ છે, જે સમાજમાં દીકરી પ્રત્‍યે બદલાતા દ્રષ્ટિકોણનું પ્રતીક છે. જિદના આ પરિવારે સાબિત કરી દીધું કે દીકરી પણ દીકરા જેટલી જ અનમોલ હોય છે. 

(10:11 AM IST)