તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
તંત્રનું ગજબનું કારસ્તાનઃ ૨૪ વર્ષની મહિલાને બનાવી દીધી ‘વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા'

સિવાન,તા.૧૩: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ મત ચોરીને લઈને ચૂંટણી પંચ અને ભાજપ સામે મોરચો માંડીને બેઠા છે. ત્યારે સીવાન જિલ્લામાં મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) દરમિયાન એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અર્જનીપુર ગામની રહેવાસી મિતા દેવીને મતદાર યાદીમાં ૧૨૪ વર્ષના બતાવવામાં આવ્યા છે. આ ભૂલ બાદ, વિપક્ષે તેના પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું છે અને મતદાર સુધારણા પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, મતદાર યાદીમાં પોતાની ઉંમર ભરતી વખતે, મિતા દેવીએ ભૂલથી ૨૪ વર્ષની જગ્યાએ ૧૨૪ વર્ષ લખી નાખ્યા હતા. આ કારણે, તેમનું નામ અને ઉંમર વિવાદમાં આવી હતી. જ્યારે આ મામલો વહીવટીતંત્રના ધ્યાનમાં આવ્યો, ત્યારે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
સિવાન જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. આદિત્ય પ્રકાશે કહ્યું કે, આ ફક્ત માનવીય ભૂલ છે, તેમાં કોઈ અનિયમિતતા નથી. તેમણે કહ્યું કે, મિતા દેવીએ પોતે ફોર્મમાં ભૂલ કરી હતી, પરંતુ હવે તેને સુધારવા માટે એક નવું ફોર્મ ભરવામાં આવ્યું છે.
વિપક્ષ કહે છે કે, આવી ભૂલો ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કરે છે. તેમનો આરોપ છે કે, જો મહિલાની ઉંમર ૧૨૪ વર્ષ નોંધી શકાય છે, તો બીજા ઘણા નામો અને માહિતીમાં ભૂલો હોઈ શકે છે.
મિતા દેવીનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે, તે એક સરળ ભૂલ હતી અને તેને ટૂંક સમયમાં સુધારી લેવામાં આવશે, જેથી આગામી ચૂંટણીઓમાં કોઈ સમસ્યા ન થાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
