<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મીટિંગ

અલાસ્કા જેને 158 વર્ષ પહેલાં રશિયાએ અમેરિકાને ફક્ત 45 કરોડ રૂપિયામાં વેચી દીધું હતું: જાણો કયા કારણોસર આટલા વિશાળ અને સમૃદ્ધ વિસ્તારને રશિયાએ સાવ સસ્તામાં વેચી દીધું હતું.

 નવી દિલ્હી :છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલતા યુક્રેન-રશિયા યુદ્ધને રોકવાની દિશામાં વાટાઘાટો કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઑગસ્ટના રોજ અલાસ્કામાં મળી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે અમેરિકાની ભૂમિ પર આ પહેલી મુલાકાત છે. રશિયાએ આ મીટિંગ કરવા માટે યુનાઇટેડ આરબ અમીરાતનું નામ સૂચવ્યું હતું, પરંતુ ટ્રમ્પના આગ્રહને પરિણામે આખરે અલાસ્કાની પસંદગી કરવામાં આવી હતી. આ એ જ અલાસ્કા છે જેને 158 વર્ષ પહેલાં રશિયાએ અમેરિકાને ફક્ત 45 કરોડ રૂપિયામાં વેચી દીધું હતું. ત્યારે ચાલો જાણીએ કે, કેવું છે અલાસ્કા, શા માટે એને અમેરિકાનો ખજાનો કહેવામાં આવે છે અને કયા કારણોસર આટલા વિશાળ અને સમૃદ્ધ વિસ્તારને રશિયાએ સાવ સસ્તામાં વેચી દીધું હતું.   

 

અમેરિકાની માલિકીનું હોવા છતાં અલાસ્કા ભૌગોલિક રીતે કેનેડાની પશ્ચિમી સીમા સાથે જોડાયેલું છે. અલાસ્કાના પશ્ચિમી તટ અને રશિયાના પૂર્વી તટ વચ્ચે બેરિંગ સામુદ્રધુની આવેલી છે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા અહીંથી જ પસાર થાય છે. મજાની વાત એ છે કે અમેરિકાની મુખ્ય ભૂમિ અને અલાસ્કા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 800 કિલોમીટરનું છે, જ્યારે કે અલાસ્કા અને રશિયા વચ્ચેની દૂરી માત્ર 88 કિલોમીટર છે! અલાસ્કા મૂળ તો રશિયાની માલિકીનું હતું. 158 વર્ષ પહેલાં રશિયાએ આ અતિ વિશાળ વિસ્તાર ફક્ત 7.2 મિલિયન ડોલર (આજના હિસાબે આશરે 45 કરોડ રૂપિયા)માં અમેરિકાને વેચી દીધો હતો. 

 

ક્ષેત્રફળની વાત કરીએ તો અલાસ્કાનો વિસ્તાર લગભગ 17,23,337 ચોરસ કિમી જેટલો છે. અમેરિકાનું આ સૌથી મોટું રાજ્ય ભારતના સૌથી મોટા રાજ્ય રાજસ્થાન (3,42,239 ચોરસ કિમી) કરતાં 5 ગણું મોટું છે. એકલું આ અલાસ્કા રાજ્ય જ ભારતના કુલ વિસ્તાર(લગભગ 32,87,263 ચોરસ કિલોમીટર)ના અડધા કરતાં સહેજ વધારે વિસ્તાર ધરાવે છે. અલાસ્કા દુનિયાના ઘણાં દેશો કરતાં મોટું છે.

અલાસ્કામાં હજારો વર્ષોથી આદિજાતિની વસ્તી હતી. 18મી સદીના અંત ભાગમાં રશિયાએ અલાસ્કા પર કબજો કરીને ત્યાંથી ફરનો વેપાર કરવા માટે અલાસ્કામાં ચોકીઓ બનાવી. પરંતુ કઠોર હવામાન, સંસાધનોનો અભાવ અને વહીવટી મુશ્કેલીઓને કારણે 19મી સદીના મધ્ય સુધીમાં સાગરપારના અલાસ્કાને સાચવવું રશિયાને મોંઘુ પડવા લાગ્યું. ક્રિમીઅન યુદ્ધ (1853-1856) પછી રશિયા નાણાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યું હતું, તેથી રશિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર ગોર્ચાકોવએ અલાસ્કાના વેચાણનો વિચાર રજૂ કર્યો. રશિયન ઝાર એલેક્ઝાન્ડર બીજાએ એ વિચારને વધાવી લીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રુ જોહ્ન્સને અલાસ્કાને ખરીદવાનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં બંને દેશો વચ્ચે 30 માર્ચ, 1867 ના રોજ કરાર થયો હતો. રશિયા અલાસ્કાને ફક્ત 72 લાખ ડોલર (લગભગ 45 કરોડ રૂપિયા)માં વેચવા તૈયાર થઈ ગયું. પ્રતિ એકર ફક્ત બે સેન્ટ ચૂકવીને અમેરિકાએ આ વિશાળ વિસ્તારને પોતાનો કરી લીધો હતો. 

રશિયાની જનતા અલાસ્કાના વેચાણના વિરોધમાં હતી, તો સામે પક્ષે મોટાભાગના અમેરિકનોને લાગતું હતું કે અમેરિકા પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન વિસ્તાર છે તો પછી અલાસ્કા જેવા બર્ફીલા પ્રદેશને ખરીદવાની શું જરૂર છે. આટલી વિશાળ ભૂમિનો ફક્ત 72 લાખ ડોલરમાં વેચાઈ ગઈ હતી એટલે પણ અમેરિકનોને લાગતું હતું કે નક્કી આ નકામો વિસ્તાર હશે છે, એનાથી કોઈ જ ફાયદો થાય એમ હશે નહીં, તો જ રશિયાએ આટલા સસ્તામાં જમીન વેચી દીધી છે. તેથી અમેરિકામાં તો આ સોદાની ભારે મજાક ઉડાવવામાં આવી હતી. ખોટના સોદા માટે અમેરિકન રાષ્ટ્રપતિ જ્હોનસનને જવાબદાર ઠેરવીને એને 'જ્હોનસનનું ગાંડપણ' ગણાવાયું હતું. ત્યારે અમેરિકનોને ખબર નહોતી કે એ જ ગાંડપણ આગળ જતાં અમેરિકાના ઇતિહાસનો સૌથી નફાકારક સોદા ગણાવાનું હતું. 

એવી માન્યતા છે કે, અલાસ્કાના વેચાણને ઝાર એલેક્ઝાન્ડર બીજાએ મંજૂરી આપી હોવાથી રશિયાની જનતાને તેઓ આંખમાં કણાંની જેમ ખૂંચતા હતા. 1867 માં અલાસ્કાનો સોદો થયો એ પછી ઝાર પર ઘણા હુમલા થયા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા. છેવટે 13 માર્ચ, 1881 ના રોજ સેન્ટ પીટર્સબર્ગના વિન્ટર પેલેસમાં બોમ્બ ફેંકીને એક હુમલાખોરે તેમની હત્યા કરી દીધી હતી. જોકે, રશિયાએ ક્યારેય સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી કે ઝારની હત્યા અલાસ્કાના વેચાણ સંબંધિત રાજકીય વિવાદોને કારણે થઈ હતી. 

 

રશિયાએ અલાસ્કા વેચી દીધું એના એકથી વધુ કારણો હતા, જે નીચે મુજબ છે.

1) વહીવટી ખર્ચ

અલાસ્કા ભેંકાર અને બર્ફિલો પ્રદેશ હતો. વસ્તી ખૂબ ઓછી હતી. દૂરસુદૂરના આ પ્રદેશનો વહીવટી ખર્ચ રશિયાને ભારે પડતો હતો.

2) રક્ષા પડકારો

અલાસ્કા એટલો મોટો વિસ્તાર હતો કે ત્યાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો તૈનાત કરવા મુશ્કેલ હતા, જેને લીધે એની સુરક્ષા જોખમાતી હતી. 

3) ભૂરાજકીય ભય

એ જમાનામાં બ્રિટન દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો. જગતના દેશો અને ટાપુઓ પર કબજો જમાવી લેવા માટે બ્રિટન કુખ્યાત હતું. બ્રિટન સાથે યુદ્ધ થશે તો તે આસાનીથી અલાસ્કા કબજે કરી લેશે, એવો રશિયાને ડર હતો, તેથી પણ રશિયા જેમ બને એમ જલ્દી અલાસ્કા વેચી દેવા માંગતું હતું. 

4) આર્થિક સંકટ

વર્ષ 1853 થી 1856 સુધી ચાલેલું ક્રિમીઆનું યુદ્ધ રશિયાને આર્થિક રીતે બહુ મોંઘું પડ્યું હતું. તેથી નાણાકીય મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા રશિયાએ અલાસ્કાને જાળવી રાખવાનો ખર્ચ બચાવવા તેને વેચી દીધું હતું.

અમેરિકા માટે અલાસ્કા ખજાનો સાબિત થયો છે

અલાસ્કા અમેરિકાને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ખૂબ ફળ્યું છે. આજે અલાસ્કાને તેની કુદરતી સંપત્તિને કારણે ‘અમેરિકાનો ખજાનો’ માનવામાં આવે છે. કઈ રીતે, એની વિગતો જોઈએ. 

1) સોનાની શોધ

1890ના દાયકામાં અલાસ્કાના ક્લોન્ડાઇક પ્રદેશમાં સોનાની ખાણ મળી આવતાં 'ક્લોન્ડાઇક ગોલ્ડ રશ' થયો હતો. હજારો લોકો સોનાની શોધમાં અલાસ્કા પહોંચ્યા. જમીનમાંથી લાખો ઔંસ સોનું કાઢવામાં આવ્યું, જેનાથી અમેરિકન અર્થતંત્રને વેગ મળ્યો. 

2) તેલ અને કુદરતી ગેસ

1968માં અલાસ્કાના ઉત્તરી કિનારે પ્રુધો ખાડીમાં વિશાળ તેલ ભંડાર મળી આવ્યા હતા. આજે એ અમેરિકાનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે. અહીંથી દરરોજ લાખો બેરલ તેલ કાઢવામાં આવે છે. ટ્રાન્સ-અલાસ્કા પાઇપલાઇનના નિર્માણ પછી તેલનું પરિવહન સરળ બન્યું છે, જેનાથી અમેરિકાને અબજો ડોલરની કમાણી થઈ છે. અલાસ્કા હજુ પણ અમેરિકાના તેલ અને કુદરતી ગેસ ઉત્પાદનમાં લગભગ 20 ટકાનો ફાળો આપે છે.

3) વિપુલ માત્રામાં કુદરતી સંસાધનો

અલાસ્કામાં તાંબુ, કોલસો, જસત અને અન્ય ખનિજોનો વિશાળ ભંડાર છે. અહીં માછીમારી ઉદ્યોગ પણ ફાલ્યોફૂલ્યો છે. અમેરિકાની જરૂરતની સૌથી વધુ માછલીઓ અલાસ્કા જ પૂરી પાડે છે.

4) વ્યૂહાત્મક મહત્ત્વ

અલાસ્કાનું ભૌગોલિક સ્થાન લશ્કરી અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તેને મહત્ત્વપૂર્ણ બનાવે છે. તે એશિયા અને રશિયાની નજીક હોવાથી અહીંથી અમેરિકા આર્કટિક અને પેસિફિક ક્ષેત્રમાં નજર રાખી શકે છે. બીજા વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધ દરમિયાન પણ અલાસ્કામાં આવેલા લશ્કરી થાણાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

5) પર્યટન અને કુદરતી સૌંદર્ય

અલાસ્કાને કુદરતે અફાટ કુદરતી સુંદરતા બક્ષી છે. અહીંની હિમનદીઓ, વન્યજીવન અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ક્રુઝ ઉદ્યોગ પણ ખીલ્યો છે. પર્યટન દ્વારા અલાસ્કા અમેરિકાને દર વર્ષે અબજો ડોલરની આવક રળી આપે છે.

 

રશિયાએ ક્યારેય સત્તાવાર રીતે અલાસ્કા પાછું લેવાનો પ્રયાસ કર્યો નથી, કેમ કે અલાસ્કાને કાયદેસર વેચવામાં આવ્યું હોવાથી હવે એના પર હક-દાવો કરવાનો અર્થ છે અમેરિકાને યુદ્ધનું આમંત્રણ આપવું. અલબત્ત, રશિયાની જનતામાં અલાસ્કાને ગુમાવ્યાનો અફસોસ આજે પણ છે ખરો, અને એની સાબિતી મળી હતી વર્ષ 2014માં જ્યારે રશિયાએ ક્રિમીઆ પર કબજો કર્યો હતો. એ સમયે કેટલાક રાષ્ટ્રવાદી જૂથોએ ‘અલાસ્કા આપણું છે’ એવા નારા લગાવ્યા હતા. જોકે, એ નારા પ્રચારાત્મક હતા, એને કોઈ કાનૂની કે સરકારી આધાર નહોતો.

 

અલાસ્કા અમેરિકાનું 49 મું રાજ્ય બન્યું હતું. અલાસ્કાનું ઔપચારિક હસ્તાંતરણ 18 ઓક્ટોબર, 1867 ના રોજ થયું હોવાથી એ તારીખે દર વર્ષે અમેરિકામાં ‘અલાસ્કા દિવસ’ ઉજવવામાં આવે છે. અલાસ્કાની ભૂમિ જે રીતે અમેરિકાને ફળી છે એ રીતે હવે યુક્રેનને ફળે છે કે કેમ, એના પર દુનિયાની નજર રહેશે.

(11:34 PM IST)