<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

પાકિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ : બે પાયલોટ સહિત પાંચના મોત

અકસ્માત પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો: ખૈબર પખ્તુનખ્વા સરકારનું Mi-17 હેલિકોપ્ટર પેશાવરથી બાજૌર જઈ રહ્યું હતું ત્યારે મોહમંદ આદિવાસી જિલ્લા નજીક તેનો સંપર્ક તૂટી ગયો.

પાકિસ્તાનમા પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી લઈ જતું એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું, જેમાં 5 લોકોના મોત થયા. આ અકસ્માત પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો હતો, જ્યાં વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે રાહત સામગ્રી લઈ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. આમાં બે પાયલોટ અને ત્રણ અન્ય લોકોના મોત થયા હતા.  

ખૈબર પખ્તુનખ્વા સરકારનું Mi-17 હેલિકોપ્ટર પેશાવરથી બાજૌર જઈ રહ્યું હતું ત્યારે મોહમંદ આદિવાસી જિલ્લા નજીક તેનો સંપર્ક તૂટી ગયો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ શાહાબ અલી શાહે પુષ્ટિ આપી કે ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.

અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માત માત્ર હવામાનના કારણે થયો હતો કે અન્ય કારણોસર. બચાવ ટીમોને અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે અને મૃતકોના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ખૈબર પખ્તુનખ્વામાં મુશળધાર વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 100 થી વધુ લોકોનાં મોત થયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને શનિવારે સમગ્ર પ્રાંતમાં શોકની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે શોકગ્રસ્ત પરિવારોના દુઃખમાં સહભાગી છીએ. હેલિકોપ્ટર ક્રૂએ અન્ય લોકોને બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. તેઓ આપણા સાચા નાયકો છે અને તેમના બલિદાનને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં યાદ રાખવામાં આવશે.

(9:21 PM IST)