<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ભારતીય ચલણ પર મહાત્મા ગાંધી: આઝાદી પછી પહેલી પસંદગી કેમ નહોતા? જાણો ઇતિહાસની રોચક કહાની!: સત્ય, અહિંસા અને વિવિધતામાં એકતાના મૂલ્યોની અપાવે છે યાદ

આઝાદી પછીનો પ્રારંભિક ગૂંચવાડો: વિવિધ પ્રતીકોનો પ્રયોગ: 1969માં પહેલો દેખાવ: 1987માં મોટી શરૂઆત: 1996માં RBIએ 'મહાત્મા ગાંધી શ્રેણી'ની નોટો બહાર પાડી

નવી દિલ્હી : ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો સ્મિત કરતો ચહેરો આપણે સૌ પરિચિત છીએ. આ ચહેરો શાંતિ, અહિંસા અને સત્યના પ્રતીક તરીકે આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે આઝાદી પછી તરત જ નોટો પર ગાંધીજીનો ફોટો છાપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?

14 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળ્યા પછી, ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે તાત્કાલિક કોઈ નવું ચલણ તૈયાર નહોતું. તેથી, થોડા સમય માટે રાજા જ્યોર્જ VIના ચિત્રવાળી જૂની નોટો જ ચાલુ રાખવામાં આવી. જ્યારે નવી નોટોની ડિઝાઇન પર ચર્ચા શરૂ થઈ, ત્યારે પ્રાથમિક વિચાર એ હતો કે રાજાના ચિત્રને રાષ્ટ્રપિતાના ચિત્રથી બદલવું. પરંતુ, RBIએ આ વિચારને રદિયો આપીને 1949માં સારનાથના અશોક સ્તંભવાળી નોટો રજૂ કરી, જેને ભારતનો પ્રાચીન વારસો અને આધુનિક પ્રજાસત્તાકનું પ્રતીક માનવામાં આવ્યું.

આગળના દાયકાઓમાં, ભારતીય નોટો પર દેશના વિવિધ પાસાઓને દર્શાવવામાં આવ્યા. વાઘ, હરણ અને મોર જેવા પ્રાણીઓ કુદરતી વારસાના પ્રતીક બન્યા, જ્યારે કોણાર્ક ચક્ર, બૃહદેશ્વર મંદિર, અને હીરાકુડ ડેમ સાંસ્કૃતિક ગૌરવ અને ઔદ્યોગિક પ્રગતિ દર્શાવતા હતા. આર્યભટ્ટ ઉપગ્રહે વિજ્ઞાન અને ભવિષ્યની ટેકનોલોજી તરફ ઇશારો કર્યો.

ગાંધીજીની જન્મ શતાબ્દી, એટલે કે 1969માં, પહેલીવાર તેમનો ચહેરો નોટ પર દેખાયો. આ સ્મારક નોટ પર તેમને સેવાગ્રામ આશ્રમમાં બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા, જે તેમના સાદગીપૂર્ણ જીવનનું પ્રતીક હતું. જોકે, આ નોટ કાયમી ચલણનો ભાગ બની નહોતી.

ગાંધીજીના ચહેરાનું કાયમી સ્થાન બનાવવાની વાસ્તવિક શરૂઆત 1987માં થઈ, જ્યારે રાજીવ ગાંધી સરકારે ₹500ની નોટ ફરી રજૂ કરી, જેના પર ગાંધીજીનો ફોટો પહેલીવાર નિયમિત નોટ પર દેખાયો. પરંતુ 1996માં RBIએ 'મહાત્મા ગાંધી શ્રેણી'ની નોટો બહાર પાડી, જેમાં સુધારેલી સુરક્ષા સુવિધાઓ અને ₹10 થી લઈને ₹100 સુધીની દરેક નોટ પર ગાંધીજીનો હસતો ચહેરો છપાયો. 2016માં નવી નોટોની શ્રેણીમાં પણ ગાંધીજીને યથાવત રાખવામાં આવ્યા.

સમયાંતરે, નેહરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ જેવા અન્ય નેતાઓના ચહેરા છાપવાની માંગ પણ ઉઠી હતી, પરંતુ 2016માં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ સ્પષ્ટ કર્યું કે ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીના ચિત્રને બદલવાની કોઈ જરૂર નથી. ગાંધીજીનું ચિત્ર માત્ર એક ફોટો નથી, પરંતુ તેઓ જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે - સત્ય, અહિંસા અને વિવિધતામાં એકતા - તેની યાદ અપાવે છે. આજે ભારતીય ચલણની કલ્પના તેમના ચહેરા વગર કરવી લગભગ અશક્ય છે.

(9:57 PM IST)