News of Friday, 15th August 2025
બિહારમાં પૂરના પાણી વચ્ચે લહેરાયો ત્રિરંગો: 60 શાળાઓ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અદમ્ય દેશભક્તિ
પૂર વચ્ચે અટકી નહિ ઉજવણી: પાણીમાં ઊભા રહીને રાષ્ટ્રધ્વજને સલામી:આ દ્રશ્યોએ સાબિત કરી દીધું કે દેશભક્તિ કોઈ પણ ભૌગોલિક કે કુદરતી અવરોધથી પર છે.

મુંગેર, બિહાર : દેશભરમાં આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, પરંતુ બિહારના મુંગેર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે દ્રશ્યો જોવા મળ્યા, તે ખરેખર દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.
મુંગેરના ત્રણ બ્લોકના અનેક ગામો હાલ પૂરના પાણીમાં ગરકાવ છે. શાળા તરફ જતા રસ્તાઓ ડૂબી ગયા છે અને 60થી વધુ શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. તેમ છતાં, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિની આ ભાવનાને મરવા દીધી નથી. મધ્ય વિદ્યાલય હેરુડિયારા, મધ્ય વિદ્યાલય દિવાની ટોલા અને પ્રાથમિક વિદ્યાલય કછરી ટોલા કુટલુપુર જેવી શાળાઓમાં, જ્યાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં પણ ઉજવણી થઈ.
પૂરના પાણી ભરાઈ ગયા હોવા છતાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હિંમત કરીને શાળાએ પહોંચ્યા. તેઓ પાણીમાં ઉતર્યા અને ગર્વ સાથે ત્રિરંગો ફરકાવ્યો. રાષ્ટ્રગીતના ગુંજારણથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો અને સૌએ ત્રિરંગાને સલામી આપી.
શિક્ષકોએ જણાવ્યું કે પૂરના પાણી વચ્ચે લહેરાતો આ ત્રિરંગો એ સંદેશ આપે છે કે દેશભક્તિની સામે કોઈ અવરોધ મોટો નથી. પૂરના મોજા હોય કે અન્ય કોઈ મુશ્કેલ પરિસ્થિતિ, રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમમાં કોઈ ઘટાડો થતો નથી. આ દ્રશ્યોએ સાબિત કરી દીધું કે દેશભક્તિ કોઈ પણ ભૌગોલિક કે કુદરતી અવરોધથી પર છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
