<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી :મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

અમદાવાદ-મુંબઇ સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ : દ્વારકાધીશજીના દર્શને ઠેકઠેકાણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :રાજકોટમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

નવી દિલ્હી :સમગ્ર દેશ અને દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભીડ જોવા મળી. મંદિરને વિદેશના ફૂલોના વનની થીમથી શણગારવામાં આવ્યું. ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે બેરિકેડ લગાવવામાં આવ્યા. તેમજ 1 લાખ લોકો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત મુંબઇ સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભગવાનને વિશેષ શણગાર કરાયો. મંદિરમાં વહેલી સવારથી ભજન કીર્તનનું પણ આયોજન કરાયું. દિલ્હી ઇસ્કોન મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું. બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી.ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરાઇ હતી.

 

દ્વારકામાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દ્વારકાધીશજીના દર્શને ઠેકઠેકાણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અમે તમને આજે દ્વારકાધીશજીની પૂજા, વિશેષ ભોગ અને દર્શન સહિતનો સમય અને સમગ્ર દિવસના ક્રમ વિશે જણાવીએ. મહત્ત્વનું છે કે, દ્વારકાધીશ મંદિરના વારાદર પૂજારી ચૈતન્યભાઈ પૂજારીએ આ માહિતી આપી છે.

 

રાજકોટમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ. વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરાયું. મવડી ચોક ખાતે ધર્મ સભા યોજાયા બાદ જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન સાધુ સંતોએ કરાવ્યું. જન્માષ્ટમીની શોભાયાત્રા મવડી ચોકથી નીકળી રાજમાર્ગો ઉપર પસાર થઇ. શોભાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી. જન્મોત્સવની શોભાયાત્રાને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ  જોવા મળ્યો હતો. 

 

અમદાવાદના ભાડજમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે દિવસભર મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ, ભજન સંગીત અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર ખાતે લાખો ભક્તો માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો આજે દિવસભર મંદિરમાં દર્શન કરી શકશે. મહામંગલા આરતી અને ભગવાનના જન્મની ઘડી બાદ રાત્રે 1:00 વાગે દર્શન બંધ થશે. 

(12:25 PM IST)