<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાતનું સ્‍વાગતઃ અંગે ભારતે આપ્યું નિવેદન

શાંતી તરફ તેમનું નેતૃત્‍વ ખૂબ જ પ્રશંસનીય છેઃ વિદેશ ખાતુ

નવી દિલ્‍હીઃ અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પર ભારતની પ્રતિક્રિયા  સામે આવી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ક્હ્યું કે, "ભારત અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર બેઠકનું સ્વાગત કરે છે. શાંતિ તરફ તેમનું નેતૃત્વ ખૂબ જ પ્રશંસનીય છે."

અલાસ્કામાં પુતિનને મળ્યા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે સીધા શાંતિ કરાર કરવામાં આવે અને યુદ્ધવિરામ કરાર પર અટકી ન જાય."

ટ્રમ્પનું આ નિવેદન આશ્ચર્યજનક છે કારણ કે અલાસ્કા બેઠક પહેલા ટ્રમ્પ પહેલા યુદ્ધવિરામ અને પછી શાંતિ કરાર વિશે વાત કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તેઓ સીધા શાંતિ કરારના મુદ્દાને પ્રાથમિકતા તરીકે ઉઠાવી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન સમગ્ર વિશ્વના લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "આજનો દિવસ અલાસ્કામાં ખૂબ જ સફળ રહ્યો! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ. આ ઉપરાંત યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને નાટોના મહાસચિવ સહિત ઘણા યુરોપિયન નેતાઓ સાથે મોડી રાત્રે ફોન પર વાતચીત થઈ. સાથે મળીને અમે નક્કી કર્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના ભયંકર યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ શાંતિ કરાર છે, યુદ્ધવિરામ નહીં, જે ઘણીવાર નિષ્ફળ જાય છે."

(8:59 PM IST)