<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

પાકિસ્‍તાન વિશે અમેરિકાના દૃષ્ટિકોણ સામે વાંધો ઉઠાવતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખાર

આતંકવાદી ઘટના બનવી એ કોઈને પણ બીજા દેશ પર મિસાઈલ હુમલો કરવાનો અધિકાર આપતું નથી: પાકિસ્તાનના પ્રખ્યાત નેતા હિના રબ્બાની ખાર

નવી દિલ્‍હીઃ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અમેરિકાની નિકટતા વધારવામાં વ્યસ્ત છે. મુનીર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી રહ્યા છે અને વોશિંગ્ટનમાં તેમની સાથે લંચ પણ કરી ચૂક્યા છે. બીજી તરફ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખારે તેમના દેશ વિશે અમેરિકાના દૃષ્ટિકોણ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે અમેરિકાને દક્ષિણ એશિયા પ્રત્યેના તેના વ્યૂહાત્મક અભિગમ પર પુનર્વિચાર કરવા અને ભારત સાથેના તેના સંબંધોના પ્રિઝમ દ્વારા પાકિસ્તાનને ન જોવા માટે કહ્યું છે. સાથોસાથ હિના રબ્બાનીએ ભારતને પણ તેના આક્રમક વલમ માટે ઘેરવાનો પ્રયાસ કર્યો.
GZERO મીડિયાના ઇયાન બ્રેમર સાથે વાત કરતી વખતે, પાકિસ્તાનના પ્રખ્યાત નેતા હિના ખારે કહ્યું કે ઇસ્લામાબાદને તેના સ્વતંત્ર યોગદાન માટે માન્યતા મળવી જોઈએ. હિનાએ કહ્યું, ‘મને લાગે છે કે અમેરિકાએ પાકિસ્તાનને ફક્ત ભારતીય દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં પાકિસ્તાનને ભારતીય દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ, જે પાકિસ્તાન પ્રત્યે ખૂબ આક્રમક છે.’ તેણીએ કહ્યું કે પાકિસ્તાન હજુ પણ અમેરિકા માટે પ્રાસંગિક છે.
હિના ખારે ચીન સાથેના પાકિસ્તાનના સંબંધોનો મજબૂત બચાવ કર્યો છે. બેઇજિંગ-ઇસ્લામાબાદ સહયોગ અંગે પશ્ચિમી ચર્ચામાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને તેમણે ફગાવી દીધી છે. ચીનને ખતરા તરીકે રજૂ કરવાની ટીકા કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન ચીનને સ્થિરતાની શક્તિ અને આર્થિક વિકાસ પ્રદાતા તરીકે જુએ છે.
ખારે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષોમાં, વિશ્વએ પાકિસ્તાન અને ચીન વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જોકે પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો ઘણા દાયકાઓ જૂના છે. આ સમય દરમિયાન, પાકિસ્તાનના પણ અમેરિકા સાથે મજબૂત સંબંધો હતા, પરંતુ તે સમયે વિશ્વ ચીનને હરીફ માનતું ન હતું. હવે આ દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધોને મહત્વ આપે છે.’
હિના ખારે ભારત પર પણ નિશાન સાધ્યું છે. હિનાએ કહ્યું કે ભારતે મે મહિનામાં પાકિસ્તાન પર હુમલો કરીને નવા ધોરણો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ક્ષેત્ર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેણીએ કહ્યું કે દક્ષિણ એશિયામાં આતંકવાદની ઘટનાઓ બની રહી છે. આતંકવાદી ઘટના બનવી એ કોઈને પણ બીજા દેશ પર મિસાઈલ હુમલો કરવાનો અધિકાર આપતું નથી.

(10:24 PM IST)