<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ટ્રમ્‍પને મોટી સફળતા...પુતિન અને ઝેલેન્‍સ્‍કી સાથે ત્રિપક્ષીય શિખર સંમેલન યોજશે : યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરશે !

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રશિયન અને યુક્રેનિયન રાષ્‍ટ્રપતિઓ વચ્‍ચે સીધી વાટાઘાટોમાં મધ્‍યસ્‍થી કરવાની તેમની યોજના જાહેર કરી

વોશિંગ્‍ટન, તા.૧૯: અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વ્‍હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્‍ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્‍સ્‍કી અને યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરી છે. ગયા અઠવાડિયે ટ્રમ્‍પે અલાસ્‍કામાં રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્‍પની આ મુલાકાતો ફેબ્રુઆરી ૨૦૨૨ થી રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવાનો માર્ગ શોધવા માટે છે. સોમવારની ઝેલેન્‍સ્‍કીપ્રટ્રમ્‍પ મુલાકાત પછી આ દિશામાં મોટી આશા છે. ટ્રમ્‍પે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં પુતિન અને ઝેલેન્‍સ્‍કી સામસામે બેસીને વાત કરી શકે છે.

યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાહેરાત કરી છે કે તેઓ રશિયન અને યુક્રેનિયન રાષ્‍ટ્રપતિઓ વચ્‍ચે સામસામે વાટાઘાટોનું આયોજન કરશે. ટ્રમ્‍પે તેમના ટ્રુથ સોશિયલ પ્‍લેટફોર્મ પર લખ્‍યું છે કે વ્‍હાઇટ હાઉસમાં વોલોડીમીર ઝેલેન્‍સ્‍કી અને સાત યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કર્યા પછી, તેમણે રશિયન રાષ્‍ટ્રપતિ પુતિન સાથે ત્રિપક્ષીય બેઠક વિશે વાત કરી છે.

ટ્રમ્‍પે કહ્યું કે મેં રાષ્‍ટ્રપતિ પુતિન અને રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સ્‍કી વચ્‍ચે બેઠક ગોઠવવાનું શરૂ કર્યું છે, જેના માટે સ્‍થળ નક્કી કરવામાં આવશે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પોતે આ બેઠકનું આયોજન કરશે. ટ્રમ્‍પે કહ્યું કે ઉપરાષ્‍ટ્રપતિ જેડી વાન્‍સ, વિદેશ સચિવ માર્કો રુબિયો અને ખાસ દૂત સ્‍ટીવ વિટકોફ આ સંદર્ભમાં મોસ્‍કો અને કિવ સાથે સંકલન કરી રહ્યા છે.

એક સૂત્રના જણાવ્‍યા અનુસાર, ઝેલેન્‍સ્‍કી અને યુરોપિયન નેતાઓ સાથેની તેમની મુલાકાત દરમિયાન, ટ્રમ્‍પે પુતિનને ફોન કરવા માટે વિરામ લીધો. આ ફોન કોલ દરમિયાન, પુતિને ટ્રમ્‍પને ઝેલેન્‍સ્‍કીને મળવાની તેમની ઇચ્‍છા વિશે જણાવ્‍યું. માત્ર ચાર દિવસ પહેલા, ૧૫ ઓગસ્‍ટના રોજ, ટ્રમ્‍પે અલાસ્‍કાના એન્‍કોરેજ લશ્‍કરી મથક પર પુતિનને મળ્‍યા હતા અને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોમવારે વ્‍હાઇટ હાઉસમાં ઝેલેન્‍સ્‍કી, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્‍ટારમર, ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન, ઇટાલીના જ્‍યોર્જિયા મેલોની, જર્મન ચાન્‍સેલર ફ્રેડરિક મેર્ઝ, ફિનલેન્‍ડના રાષ્‍ટ્રપતિ એલેક્‍ઝાન્‍ડર સ્‍ટબ, નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ અને યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન સાથે વાતચીત કરી.

ટ્રમ્‍પે કહ્યું કે તેમણે યુક્રેન માટે સુરક્ષા ગેરંટી તેમજ યુરોપિયન દેશો દ્વારા અમેરિકા સાથે સંકલનમાં આપવામાં આવનારી ગેરંટી અંગે ચર્ચા કરી. યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ટ્રમ્‍પે કહ્યું કે કોઈપણ શાંતિ કરારમાં, અમેરિકા યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવામાં સામેલ રહેશે અને આ સંપૂર્ણપણે સુનિશ્‍ચિત કરવામાં આવશે.

(9:53 AM IST)