<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

કિશ્‍તવાડમાં વાદળ ફાટવાની ઘટનાઃ શું હવામાનની ચેતવણીઓને નજર અંદાજ કરવામાં આવી?

 

શ્રીનગર : કિશ્‍તવાડમાં થયેલી વાદળ ફાટવાની દુઃખદ ઘટનાએ જમ્‍મુ-કાશ્‍મીરના પહાડી વિસ્‍તારોમાં આપત્તિ વ્‍યવસ્‍થાપન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પર્યાવરણવિદો અને નિષ્‍ણાતોના મતે, આ દુર્ઘટના માત્ર કુદરતી પ્રકોપનું પરિણામ નથી, પરંતુ પૂર-સંભવિત વિસ્‍તારોમાં યાત્રાળુઓ અને વસાહતોની સુરક્ષા માટે પૂરતી સાવચેતી ન રાખવાનું પરિણામ પણ છે. અમરનાથ યાત્રા જેવી અગાઉની ઘટનાઓમાંથી બોધપાઠ ન લેવા બદલ સ્‍થાનિક વહીવટીતંત્રની ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિホ મૂકવામાં આવ્‍યો છે.

વિગતે જોઈએ તો કિશ્‍તવાડમાં વાદળ ફાટવાની કરુણ ઘટના બાદ, આપત્તિ વ્‍યવસ્‍થાપન અને સુરક્ષા માપદંડો પર ઊંડી ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. ભલે આ ઘટના માટે મુખ્‍યત્‍વે પ્રકૃતિના પ્રકોપને જવાબદાર ગણવામાં આવી રહ્યો હોય, પણ શું સ્‍થાનિક પ્રશાસને પૂર-સંભવિત વિસ્‍તારોમાં યાત્રાળુઓ અને વસાહતો માટે પૂરતી સાવચેતી રાખી હતી તે એક મોટો પ્રશ્ન છે.

જ્જ ભૌગોલિક જોખમો : પર્યાવરણવિદોના મતે, કિશ્‍તવાડની મોટાભાગની વસાહતો સાંકડી ખીણોમાં સ્‍થિત છે, જ્‍યાં વાદળ ફાટવાની ઘટનાઓનું જોખમ વધુ હોય છે. ક્‍લાઇમેટ ચેન્‍જને કારણે હિમાલયમાં આવી ઘટનાઓ વધી રહી છે.

જ્જ બેદરકારી અને અતિક્રમણ : વાકેફ હોવા છતાં, મચેલ માતા યાત્રા માર્ગ પર પૂરના મેદાનોમાં ઘણી અસ્‍થાયી અને અર્ધ-સ્‍થાયી રચનાઓ ઊભી થઈ ગઈ છે. આ ઉપરાંત, વહીવટીતંત્ર દ્વારા આ વિસ્‍તારોમાં લંગર સ્‍થાપવાની પરવાનગી આપવામાં આવી હતી, જ્‍યારે આ જગ્‍યાઓ ભારે વરસાદ દરમિયાન કુદરતી જળપ્રવાહનું કામ કરે છે. આ અતિક્રમણથી નુકસાનનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

જ્જ અગાઉની ઘટનાઓમાંથી બોધપાઠ : આપત્તિ વ્‍યવસ્‍થાપન નિષ્‍ણાતોએ જણાવ્‍યું કે જુલાઈ ૨૦૨૨માં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્‍યો નથી. જો તે સમયે સુધારાત્‍મક પગલાં લેવાયા હોત, તો ચિશોતીમાં થયેલા નુકસાનને મોટાભાગે ટાળી શકાયું હોત.

હવામાનની ચેતવણીઓનું અવગણન

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વહીવટીતંત્રને આઈએમડી તરફથી નિયમિત હવામાનની આગાહી મળી રહી હતી? જો આગાહીઓ ઉપલબ્‍ધ હતી, તો પ્રતિકૂળ હવામાનની ચેતવણીઓ છતાં યાત્રાને સ્‍થગિત કેમ ન કરવામાં આવી? અને જો આગાહીઓ ઉપલબ્‍ધ ન હતી, તો આયોજનમાં આ એક મોટી ખામી દર્શાવે છે. યાત્રા વ્‍યવસ્‍થાપન માત્ર ભીડ નિયંત્રણ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, તેમાં હવામાનની આગાહી, વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને વહીવટી નિયમો વચ્‍ચે યોગ્‍ય સમન્‍વય હોવો અત્‍યંત જરૂરી છે. મજબૂત આયોજન અને પૂર્વ ચેતવણી પ્રણાલી દ્વારા આવી દુર્ઘટનાઓનો પ્રભાવ ઘટાડી શકાય છે.(સુરેશ ડુગ્‍ગર, જમ્‍મુ)

(12:09 PM IST)