<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ચોમાસામાં નોકરીઓનો વરસાદ ! દેશમાં બેરોજગારીનો દર ઘટયો

દેશમાં બેરોજગારીનો દર જુલાઈમાં ઘટીને ૫.૨% થયો છે જ્‍યારે જૂનમાં તે ૫.૬% હતો

નવી દિલ્‍હી, તા.૧૯: રોજગારના મોરચે સારા સમાચાર છે. દેશમાં બેરોજગારીનો દર જુલાઈમાં ઘટીને ૫.૨% થયો છે જ્‍યારે જૂનમાં તે ૫.૬% હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ડેટામાં આ વાત સામે આવી છે. મે મહિનામાં બેરોજગારીનો દર પણ ૫.૬% હતો. વર્તમાન સાપ્તાહિક સ્‍થિતિમાં એકત્રિત કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, જુલાઈ દરમિયાન તમામ વય જૂથોના લોકો માટે બેરોજગારીનો દર ૫.૨% રહ્યો. પુરુષોમાં બેરોજગારીનો દર ૫.૩% પર થોડો વધારે હતો જ્‍યારેસ્ત્રીઓમાં તે ૫.૧% હતો.

શહેરી વિસ્‍તારોમાં તમામ વય જૂથો માટે બેરોજગારી દર જુલાઈમાં વધીને ૭.૨% થયો છે જે જૂનમાં ૭.૧% હતો. તે જ સમયે, ગ્રામીણ વિસ્‍તારોમાં તમામ વય જૂથો માટે બેરોજગારી દર જૂનમાં ૪.૯% થી ઘટીને ૪.૪% થયો છે. સર્વેક્ષણ મુજબ, ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથના યુવાનોમાં બેરોજગારી જુલાઈમાં ઘટીને ૧૪.૯% થઈ ગઈ છે જે જૂન ૨૦૨૫ માં ૧૫.૩% હતી. જોકે, શહેરી વિસ્‍તારોમાં આ વય જૂથ માટે બેરોજગારી દર જુલાઈમાં નજીવો વધીને ૧૯% થયો છે જે પાછલા મહિનામાં ૧૮.૮% હતો.

ગ્રામીણ વિસ્‍તારોમાં સમાન વય જૂથ (૧૫-૨૯ વર્ષ) માટે, આ દર જુલાઈમાં ઘટીને ૧૩% થયો છે જે પાછલા મહિનામાં ૧૩.૮% હતો. CWS સર્વેક્ષણની તારીખ પહેલાના સાત દિવસના સંદર્ભ સમયગાળાના આધારે નક્કી કરાયેલ પ્રવળત્તિની સ્‍થિતિ દર્શાવે છે. ડેટા એ પણ દર્શાવે છે કે જુલાઈ ૨૦૨૫ માં તમામ વય જૂથોના CWS માં શ્રમ બળ ભાગીદારી દર (LFPR) વધીને ૪૧.૪% થયો છે જે જૂન ૨૦૨૫ માં ૪૧% હતો.

ગ્રામીણ વિસ્‍તારોમાં તમામ વય જૂથોના CWS માં શ્રમ બળ ભાગીદારી દર ૪૨% હતો જે એક મહિના પહેલા ૪૧.૫% હતો. તે જ સમયે, શહેરી વિસ્‍તારોમાં, જુલાઈમાં તે ૪૦.૧% હતો જે જૂનમાં ૩૯.૮% હતો. ગ્રામીણ વિસ્‍તારોમાં ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્‍યક્‍તિઓમાં કુલ વસ્‍તીમાં રોજગાર ધરાવતા વ્‍યક્‍તિઓના પ્રમાણને વ્‍યાખ્‍યાયિત કરતો કામદાર વસ્‍તી ગુણોત્તર (WPR) જુલાઈ દરમિયાન ૫૪.૪% હતો. જૂનના પાછલા મહિનામાં તે ૫૩.૩% હતો. શહેરી વિસ્‍તારોમાં સમાન વય જૂથ માટે કામદાર વસ્‍તી ગુણોત્તર જુલાઈમાં ૪૭% હતો.દેશ સ્‍તરે કામદાર વસ્‍તી ગુણોત્તર ૫૨% હતો જે જૂન દરમિયાન ૫૧.૨% હતો. ઉચ્‍ચ આવર્તન શ્રમ બળ સૂચકાંકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે જાન્‍યુઆરી ૨૦૨૫ થી PLFS ની નમૂના પદ્ધતિને વ્‍યાપક કવરેજ સાથે સુધારવામાં આવી છે. જુલાઈમાં પ્રથમ તબક્કામાં, અખિલ ભારતીય સ્‍તરે ૭,૫૧૯ એકમોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. સર્વે કરાયેલા ઘરોની સંખ્‍યા ૮૯,૫૦૫ હતી. ગ્રામીણ વિસ્‍તારોમાં ૪૯,૩૫૫ ઘરોનો અને શહેરી વિસ્‍તારોમાં ૪૦,૧૫૦ ઘરોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. સર્વે કરાયેલા વ્‍યક્‍તિઓની સંખ્‍યા ૩,૭૯,૨૨૨ હતી (ગ્રામીણ વિસ્‍તારોમાં ૨,૧૬,૮૩૨ અને શહેરી વિસ્‍તારોમાં ૧,૬૨,૩૯૦).(૨૩.૧૬)

(3:25 PM IST)