<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ચીનનો ધડાકો : અમે ભારતનાં દુશ્‍મન નથી : ખાતર - દુર્લભ ખનીજ - મશીન આપવા તૈયાર

ચીની વિદેશમંત્રી ભારતમાં જયશંકર સાથે બેઠક : ભારતનાં ભાગીદાર બનવા ચીન તૈયાર

નવી દિલ્‍હી, તા.૧૯: ચીને રેર અર્થ ડિગિંગ મશીનોની નિકાસ તેમજ ભારતને રેર અર્થ સપ્‍લાય પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ચીને કહ્યું છે કે તેણે ખાતરો, રેર અર્થ મિનરલ્‍સ તેમજ ટનલ બોરિંગ મશીનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ પ્રતિબંધ હટાવીને ચીને ભારતને એકસાથે ત્રણ સારા સમાચાર આપ્‍યા છે.

રિપોર્ટ અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ  વિદેશ મંત્રી જયશંકરને ખાતરી આપી હતી કે ચીને ભારતની ત્રણ મહત્‍વપૂર્ણ માંગણીઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ભારતને પણ કેટલાક શિપમેન્‍ટ મળવા લાગ્‍યા છે. ભારતે સ્‍પષ્ટપણે ચીન પ્રત્‍યે નારાજગી વ્‍યક્‍ત કરી હતી કારણ કે ખાતરો (ખાસ કરીને ડાયપ્રએમોનિયમ ફોસ્‍ફેટ) પર અચાનક પ્રતિબંધથી રવિ સિઝનના પાકને અસર થઈ હતી. આ ઉપરાંત, ચીને ભારતના માળખાગત પ્રોજેક્‍ટ્‍સ માટે જરૂરી ટનલ બોરિંગ મશીનોનો પુરવઠો પણ બંધ કરી દીધો હતો, જેમાં વિદેશી કંપનીઓ દ્વારા ચીનમાં બનાવેલા મશીનો પણ શામેલ હતા.

ઓટો અને ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉદ્યોગે પણ રેર અર્થ મેગ્નેટ અને ખનિજો પર ચીનના પ્રતિબંધ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી, કારણ કે તેનાથી ઉત્‍પાદન પર નકારાત્‍મક અસર પડી શકે છે. બંને દેશો વચ્‍ચે વધતા તણાવ અને સુરક્ષા કારણોસર આ પ્રતિબંધો લાદવામાં આવ્‍યા હતા. જોકે, LAC પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી, વાંગ અને જયશંકર ગયા મહિને બે વાર મળ્‍યા હતા અને બંને દેશો ધીમે ધીમે સંબંધો સુધારવા સંમત થયા હતા. આમાં વિશ્વાસ વધારવો અને આર્થિક પ્રતિબંધો હળવા કરવાનો સમાવેશ થાય છે.

આ કરાર એટલા માટે પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે આ સમયે અમેરિકાએ ભારત સામે કડક વલણ અપનાવ્‍યું છે. ટ્રમ્‍પ વહીવટીતંત્રે રશિયા સાથે ભારતના સંબંધોની ટીકા કરી છે અને ૨૫% વધારાના રાષ્‍ટ્રીય સુરક્ષા ટેરિફ સાથે કુલ ૫૦% ટેરિફ લાદ્યો છે. બીજી તરફ, અમેરિકાએ ચીન પ્રત્‍યે નરમ વલણ દર્શાવ્‍યું છે, વેપાર યુદ્ધવિરામને વધુ ૯૦ દિવસ લંબાવ્‍યો છે અને હાઇ-ટેક ચિપ્‍સના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્‍યો છે.

અહેવાલ મુજબ જયશંકરે બેઠકની શરૂઆત કરતા કહ્યું કે બંને દેશો મુશ્‍કેલ સમયમાંથી પસાર થયા, પરંતુ બંને દેશો આગળ વધવા માંગે છે. આ માટે બંને પક્ષો તરફથી રચનાત્‍મક અભિગમની જરૂર છે. તેના માટે, બંને દેશોએ પરસ્‍પર આદર, પરસ્‍પર સંવેદનશીલતા અને પરસ્‍પર હિતની ભાવના વિકસાવવાની જરૂર છે અને કોઈપણ પ્રકારના મતભેદને કારણે સંઘર્ષ કે વિવાદ થવો જોઈએ નથી.

ટ્રમ્‍પના ટેરિફ યુદ્ધને કારણે એશિયાની બે મહાસત્તાઓ મતભેદ ભૂલીને નજીક આવી રહી છે. પાંચ વર્ષ પહેલ ગલવાન ક્ષેત્રમાં બંને દેશોની સેના વચ્‍ચે અથડામણ થયા બાદ બંને દેશોના સંબંધોને સામાન્‍ય બનાવવા માટે આ પગલા ભરવામાં આવી રહ્યા છે.ગઈ કાલે દિલ્‍હીમાં યોજાયેલી બેઠકમાં જયશંકર અને વાંગ યી વચ્‍ચે સરહદ પર તણાવ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી, અહેવાલ મુજબ આજે પ્રતિનિધિઓની બેઠક દરમિયાન રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા સરહદનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

(4:09 PM IST)