<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ગુમ થયેલી વકીલ અર્ચના તિવારીનો કેસ: નવા વળાંકથી રહસ્ય ઉકેલવાની આશા

પોલીસ કોન્સ્ટેબલ રામ તોમર પર શંકાની સોય: છેલ્લું લોકેશન ઈટારસી, પછી ગાયબ!: પરિવાર CBI તપાસની માગ પર અડગ: સૌને તેની સલામતીની આશા

ઈન્દોર,: રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે ઇન્દોરથી કટની જતી અને ટ્રેનમાંથી અચાનક ગુમ થયેલી ૨૯ વર્ષીય વકીલ અર્ચના તિવારીનો કેસ ૧૩ દિવસ પછી પણ ઉકેલાયો નથી. જોકે, હવે પોલીસને એક એવો સુરાગ મળ્યો છે, જેનાથી આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે છે. સરકારી રેલવે પોલીસે (GRP) ગ્વાલિયરના કોન્સ્ટેબલ રામ તોમરની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે રામ તોમરે જ અર્ચના તિવારી માટે ટિકિટ બુક કરાવી હતી, અને તે પણ ઇન્દોરથી ગ્વાલિયરની!

GRP હાલમાં રામ તોમરની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રામ તોમર અને અર્ચના વચ્ચે શું સંબંધ હતો? તેણે ઇન્દોરથી કટની જવાને બદલે ગ્વાલિયરની ટિકિટ કેમ બુક કરાવી? અને સૌથી અગત્યનું, શું તે અર્ચનાના ગુમ થવા પાછળનું રહસ્ય જાણે છે?

અર્ચનાના પરિવારે અગાઉ માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરી હતી અને આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાની માગ કરી હતી. ઇન્દોર હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતી અર્ચના સિવિલ જજ બનવાની તૈયારી પણ કરી રહી હતી. તે ૭ ઓગસ્ટના રોજ નર્મદા એક્સપ્રેસ ટ્રેન દ્વારા કટની જવા નીકળી હતી.

અર્ચનાનું છેલ્લું લોકેશન ભોપાલના રાની કમલાપતિ સ્ટેશન પર જોવા મળ્યું હતું, જેના પછી તેના પરિવારે રાની કમલાપતિ GRP પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ઇટારસી અને કટની સુધીના વિસ્તારોમાં સઘન શોધખોળ કરી છે અને સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કર્યા છે, પરંતુ હજુ સુધી અર્ચનાનો કોઈ પત્તો લાગ્યો નથી.

પોલીસ અધિક્ષક રાહુલ કુમાર લોઢાએ જણાવ્યું કે તપાસમાં દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અકસ્માત, અપહરણ કે અન્ય કોઈ કારણનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અર્ચનાનું છેલ્લું લોકેશન ઈટારસી રેલ્વે સ્ટેશન હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં તેનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. કેટલાક લોકોએ તેને ઈટારસી રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં જોઈ હોવાનું પણ જણાવ્યું છે.

બીજી તરફ, અર્ચનાના પરિવારજનો હજુ પણ પોલીસ તપાસથી સંતુષ્ટ નથી. અર્ચનાના કાકા બાબુ પ્રકાશ તિવારીએ પત્રકારોને જણાવ્યું કે, "આ માનવ તસ્કરીનો મામલો છે, પરંતુ પોલીસ આ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી નથી." તેમણે ફરી એકવાર આ કેસની CBI તપાસની માગ કરી છે.

જોકે, GRPને આશા છે કે કોન્સ્ટેબલ રામ તોમરની પૂછપરછથી આ કેસમાં કોઈ નક્કર કડી મળી શકે છે અને અર્ચનાનું રહસ્ય જલદી જ ઉકેલાઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તોમરે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેણે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ અર્ચના કોઈ બીજાની ટિકિટ પર મુસાફરી કરી રહી હતી. આ સમગ્ર મામલો દિવસેને દિવસે વધુ જટિલ બની રહ્યો છે, અને સૌ કોઈ અર્ચનાની સલામતીની આશા રાખી રહ્યા છે.

 

(4:52 PM IST)