News of Tuesday, 19th August 2025
ન્યુઝીલેન્ડમાં ભારતીયને આર્થિક શોષણ બદલ મોટો દંડ: બે પ્રવાસી કામદારોને $૪૦,૦૦૦ થી વધુ ચૂકવવાનો આદેશ!
ચુકાદા દ્વારા ન્યુઝીલેન્ડ સરકારે આપ્યો સ્પષ્ટ સંદેશ: તેઓ પ્રવાસી કામદારોનું શોષણ ચલાવી લેશે નહીં અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને ઠેરવશે જવાબદાર

નવી દિલ્હી : ન્યુઝીલેન્ડમાં સ્થળાંતર-પ્રવાસી કામદારોના શોષણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય કાયમી રહેવાસીને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. હેમિલ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભારતીય મૂળના ગૌરવ બત્રાને બે સ્થળાંતર કામદારોનું શોષણ કરવા બદલ $૧૩,૦૦૦ (અંદાજે રૂ. ૬.૫ લાખ) નો દંડ અને $૨૭,૬૬૦ (અંદાજે રૂ. ૧૪ લાખ) બે કામદારોને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સજા સોમવાર, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સંભળાવવામાં આવી હતી.
શું હતો આખો મામલો?
ગૌરવ બત્રા GSK કંપની લિમિટેડ દ્વારા સંચાલિત હેમિલ્ટન કબાબ શોપના માલિક છે. તેમણે બે સ્થળાંતર કામદારોને કબાબ શોપમાં કામ કરવા માટે રાખ્યા હતા, પરંતુ પાછળથી તેમને વિઝાની શરતો વિરુદ્ધ અનેક સ્થળોએ સફાઈનું કામ કરવા માટે મજબૂર કર્યા.
અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું કે બત્રાએ લગભગ બે વર્ષ સુધી આ કામદારોને ઓછો પગાર આપ્યો હતો અને તેમના રોજગારની ભૂમિકાઓ ખોટી રીતે રજૂ કરી હતી.
-એક કામદારને $૧૬,૧૦૦ (અંદાજે રૂ. ૮.૨ લાખ) થી વધુ રકમ ચૂકવવાની બાકી હતી.
-જ્યારે બીજા કામદારને $૧૧,૫૫૦ (અંદાજે રૂ. ૫.૮ લાખ) થી વધુ વેતન, રજાનો પગાર અને અન્ય હક ચૂકવવાના બાકી હતા.
ઇરાદાપૂર્વકનો ગુનો
નેશનલ મેનેજર ઇન્વેસ્ટિગેશન્સ, જેસન પેરીએ જણાવ્યું કે આ ગુનો ઇરાદાપૂર્વક અને સતત રીતે કરવામાં આવ્યો હતો. "આ કોઈ એક વખતની ભૂલ નહોતી. આ કામદારોને એક કામ માટે રાખવામાં આવ્યા, પછી તેમને બીજી નોકરી કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા, આ બધું તેમને ઓછો પગાર આપીને અને વધુ પડતા કલાકો કામ કરાવીને કરવામાં આવ્યું," પેરીએ કહ્યું.
આ ચુકાદા દ્વારા ન્યુઝીલેન્ડ સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ પ્રવાસી કામદારોનું શોષણ ચલાવી લેશે નહીં અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને જવાબદાર ઠેરવશે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
