News of Thursday, 21st August 2025
દિલ્હીની વધુ 5 શાળાઓને બોમ્બની ધમકીવાળા ઈમેલ મળતા જબરજસ્ત ખળભળાટ : સપ્તાહની આ ત્રીજી ઘટના
સતત મળતી ધમકીઓથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ : પોલીસે તપાસ માટે સાયબર સેલની મદદ લીધી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજા બનાવમાં, ગુરુવારે પ્રસાદ નગર અને દ્વારકા સેક્ટર-5 સહિત પાંચ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ શાળાઓમાં સઘન શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ સપ્તાહમાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે દિલ્હીની શાળાઓને આવી બોમ્બ ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે પણ રાજધાનીની 50થી વધુ શાળાઓને આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેમાં માલવિયા નગર સ્થિત એસકેવી હૌઝ રાની સ્કૂલ અને કરોલ બાગની આંધ્ર સ્કૂલનો પણ સમાવેશ થતો હતો.
અગાઉ બે દિવસમાં અનેક શાળાઓને ધમકી મળી
આ પહેલાં સોમવારે સવારે 7:30 થી બપોરના 12:25 વાગ્યા સુધીમાં, 32 શાળાઓને બોમ્બની ધમકીવાળા ઈમેલ મળ્યા હતા, જેનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ શાળાઓમાંથી મોટાભાગની દ્વારકા વિસ્તારમાં આવેલી હતી, અને દિલ્હી ફાયર સર્વિસને અનેક કોલ્સ મળ્યા હતા.
આ ઘટનાથી પ્રભાવિત થયેલી શાળાઓમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), દ્વારકા; બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ; શ્રી વેંકટેશ્વરા સ્કૂલ અને ગ્લોબલ સ્કૂલનો સમાવેશ થાય છે. તે સમયે પણ ઘણી શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને ડીપીએસ દ્વારકાએ તો બાળકોને ઘરે મોકલીને શાળા બંધ કરવાની જાહેરાત પણ કરી હતી.
તપાસ ચાલુ, સાયબર સેલ સક્રિય
પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ આ તમામ મામલાઓને ગંભીરતાથી લીધા છે અને ઈમેલ મોકલનાર અજાણ્યા વ્યક્તિઓની શોધમાં લાગી છે. તપાસમાં સાયબર સેલને પણ સામેલ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે મોટાભાગની ધમકીઓ ખોટી હોઈ શકે છે, પરંતુ કોઈ પણ જોખમને અવગણી શકાય નહીં.
આ સતત મળી રહેલી ધમકીઓને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. દિલ્હી પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. તમામ શાળાઓની સુરક્ષા માટે કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
