<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

દેશના ૩૩,૦૭૩ કરોડ રૂપિયાના ગેમિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

ઓનલાઇન ગેમિંગ પ્રમોશન એન્‍ડ રેગ્‍યુલેશન બિલ લોકસભામાં કાલે વોઇસવોટથી પસારઃ એડિક્‍શન, મની લોન્‍ડરિંગ અને નાણાકીય છેતરપિંડીના કિસ્‍સાઓને રોકવાનો હેતુ ઓનલાઇન મની ગેમિંગ સજાપાત્ર ગુનોઃ ૩ વર્ષની જેલની સજા, એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

નવી દિલ્‍હી,તા.૨૧: લોકસભાએ ગઈ કાલે એક ડ્રાફટ લો પ્રમોશન એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ પસાર કર્યો હતો. એનો હેતુ એડિક્‍શન, મની લોન્‍ડરિંગ અને નાણાકીય છેતરપિંડીના વધતા જતા કિસ્‍સાઓને રોકવાનો છે.

સંસદમાં અગાઉ રજૂ કરાયેલું આ બિલ વિપક્ષના વિરોધ વચ્‍ચે ઇલેક્‍ટ્રોનિક્‍સ એન્‍ડ ઇન્‍ફર્મેશન ટેક્રોલોજીપ્રધાન અશ્વિની વૈષ્‍ણવની ટૂંકી ટિપ્‍પણી બાદ નીચલા ગૃહમાં ધ્‍વનિમતથી પસાર થયું હતું. ડ્રાફટ લો પસાર થયા પછી તરત જ અનેક માગણીઓ પર વિપક્ષ દ્વારા વિક્ષેપ વચ્‍ચે ગૃહને દિવસ માટે મુલતવી રાખવામાં આવ્‍યું હતું.

ડ્રાફટ લો ઓનલાઇન મની ગેમ્‍સ સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો તેમ જ બેન્‍કો અને નાણાકીય સંસ્‍થાઓને આવી કોઈ પણ રમતો માટે ભંડોળની સુવિધા આપવા અથવા ટ્રાન્‍સફર કરવાથી પ્રતિબંધિત કરવાનો પણ પ્રયાસ કરે છે.

આ બિલ ઓનલાઇન ફેન્‍ટસી સ્‍પોર્ટ્‍સથી લઈને ઓનલાઇન જુગાર (જેમ કે પોકર, રમી અને પત્તાંની અન્‍ય રમતો) અને ઓનલાઇન લોટરી સુધીની તમામ ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર પ્રવૃત્તિઓને ગેરકાયદે ઠેરવે છે.

આ પગલું દેશના ૩.૮ બિલ્‍યન ડોલર (આશરે ૩૩,૦૭૩ કરોડ રૂપિયા)ના ગેમિંગ ઉદ્યોગને ફટકો આપવા માટે તૈયાર છે, જેણે વૈશ્વિક રોકાણકારોનું ધ્‍યાન ખેંચ્‍યું છે અને ડ્રીમ૧૧, ગેમ્‍સ24X7 અને મોબાઇલ પ્રીમિયર લીગ જેવી ફેન્‍ટસી સ્‍પોર્ટ્‍સ એપ્‍લિકેશનોને પ્રોત્‍સાહન આપ્‍યું છે.

આ બિલ ઓનલાઇન મની ગેમિંગને સજાપાત્ર ગુનો બનાવે છે, જેમાં ૩ વર્ષ સુધીની જેલની સજા અને અથવા એક કરોડ રૂપિયા સુધીના દંડનો સમાવેશ છે.

રિયલ મની ગેમિંગથી ૪૫ કરોડ લોકો વાર્ષિક લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવતા હોવાનો સરકારનો અંદાજ

સરકારનો અંદાજ છે કે ઓનલાઇન રિયલ મની ગેમિંગમાં આશરે ૪૫ કરોડ લોકો દર વર્ષે લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્‍યા અનુસાર ઓનલાઇન રિયલ મની ગેમિંગ સમાજ માટે એક મોટી સમસ્‍યા હોવાનું સરકાર માને છે અને લોકોના કલ્‍યાણને પ્રાથમિકતા આપતાં આવકના નુકસાનને ટાળવા માટે ઑનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લાદતો કાયદો બનાવ્‍યો છે.

સરકારે ગઈ કાલે લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગ્‍યુલેશન બિલ ૨૦૨૫ રજૂ કર્યા બાદ પસાર કર્યું હતું. આ કાયદો કોઈ પણ સ્‍વરૂપમાં મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતી વખતે ઈ-સ્‍પોર્ટ્‍સ અને ઓનલાઇન સોશ્‍યલ ગેમિંગને પ્રોત્‍સાહન આપવાનો પ્રસ્‍તાવ મૂકે છે. બિલ હેઠળ મની ગેમિંગમાં સામેલ સંસ્‍થાઓ સામે પગલાં મુખ્‍યત્‍વે રાજ્‍ય સરકારો દ્વારા લેવામાં આવશે.

(10:06 AM IST)