<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

૧૮ વર્ષના સ્‍ટુડન્‍ટે પચીસ વર્ષની ટીચર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી

મધ્‍યપ્રદેશની શોકિંગ ઘટના : યુવક એકતરફી પ્રેમમાં હતો અને શિક્ષિકાએ કરેલી ફરિયાદને પગલે તેને સ્‍કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્‍યો હતો એનું ખુન્નસ કાઢયું

 

નરસિંહપુર, તા.૨૧: મધ્‍ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં પચીસ વર્ષની મહિલા ટીચર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દેવાનો પ્રયાસ કરનારા બારમા ધોરણના ૧૮ વર્ષના સ્‍ટુડન્‍ટ સૂર્યાંશ કોચરની ધરપકડ કરવામાં આવી છે.

આ ટીચર જિલ્લાની ગવર્નમેન્‍ટ સ્‍કૂલ ઑફ એક્‍સલન્‍સમાં ગેસ્‍ટ ટીચર હતી અને સૂર્યાંશ આ ટીચરના એકતરફી પ્રેમમાં હતો. વિચિત્ર વર્તનને કારણે સૂર્યાંશ કોચરને બે વર્ષ પહેલાં સ્‍કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્‍યો હતો. સૂર્યાંશે ત્‍યાર બાદ કલ્‍યાણપુરની એક સરકારી સ્‍કૂલમાં પ્રવેશ મેળવ્‍યો હતો અને પોતાનો અભ્‍યાસ ચાલુ રાખ્‍યો હતો. જોકે તે ઘણી વાર તેની જૂની સ્‍કૂલમાં જતો રહેતો હતો.

૧૫ ઑગસ્‍ટે સૂર્યાંશે જૂની સ્‍કૂલની મુલાકાત લીધી હતી. એ દિવસે ટીચરે પહેરેલી સાડી બાબતે તેણે વાંધાજનક ટિપ્‍પણીઓ કરતાં ટીચરે સ્‍કૂલપ્રપ્રશાસન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

સોમવારે સૂર્યાંશ ટીચરના ઘરે ગયો હતો અને માફી માગવી છે એમ કહીને ટીચરને ઘરની બહાર બોલાવી હતી. ટીચર બહાર આવી એટલે તેણે તેના પર પેટ્રોલ રેડ્‍યું હતું, આગ લગાવી દીધી હતી અને નાસી છૂટયો હતો. ટીચરે ખુલ્લી ગટરમાં કૂદીને જીવ બચાવ્‍યો હતો. તે પચીસ ટકા જેટલી દાઝી ગઈ હોવાથી જબલપુર મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવી છે. ટીચરના પરિવારે કહ્યું હતું કે સૂર્યાંશ લાંબા સમયથી તેને હેરાન કરતો હતો.

પોલીસે મંગળવારે કલ્‍યાણપુર ગામમાંથી સૂર્યાંશની ધરપકડ કરી હતી. તેની સામે હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્‍યો છે.(૨૩.૨૨)

(3:08 PM IST)