<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સ્ટારલિંક કનેક્શન લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત: એલોન મસ્કની કંપનીએ UIDAI સાથે કરી ભાગીદારી!

સ્ટારલિંકને સબ-ઓથેન્ટિકેશન યુઝર એજન્સી તરીકે મળી મંજૂરી: કંપની તેના ગ્રાહકોની ઓળખ માટે સીધા જ આધાર આધારિત પ્રમાણીકરણનો કરી શકશે ઉપયોગ

 અબજોપતિ એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવાની છે, અને તે પહેલાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સ્ટારલિંકનું કનેક્શન મેળવવા માટે ગ્રાહકોએ હવે આધાર કાર્ડ દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.
 
UIDAI સાથે સહયોગ: KYC પ્રક્રિયા થશે સરળ
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્ટારલિંકે ભારતમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત, સ્ટારલિંકને સબ-ઓથેન્ટિકેશન યુઝર એજન્સી તરીકે મંજૂરી મળી છે. આનાથી કંપની તેના ગ્રાહકોની ઓળખ માટે સીધા જ આધાર આધારિત પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકશે.

આ પગલું 'તમારા ગ્રાહકને જાણો' (KYC) નિયમોનું પાલન કરવાનું ખૂબ જ સરળ બનાવશે. આ ભાગીદારીથી કનેક્શનની સમગ્ર પ્રક્રિયા સરળ અને પેપરલેસ બનશે, જેનાથી ગ્રાહકોને ઝડપી સેવા મળશે.
 
મંજૂરી મળવાની તૈયારી
સ્ટારલિંકને જૂન મહિનામાં જ ભારતમાં સેવા શરૂ કરવા માટે ટેલિકોમ વિભાગ તરફથી ઓપરેશન લાઇસન્સ મળી ગયું હતું. હવે કંપની ફક્ત ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) ની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, કંપનીને હાલમાં ભારતમાં 20 લાખ કનેક્શન શરૂ કરવાની મંજૂરી મળી છે.

સ્ટારલિંક ભારતના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓ પહોંચી શકતી નથી, ત્યાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આધાર સાથેના આ જોડાણથી તેની સેવાની શરૂઆત વધુ ઝડપી અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા છે.

 

(5:01 PM IST)