News of Thursday, 21st August 2025
આઈપીએસ સતીશ ગોલચા દિલ્હી પોલીસના નવા કમિશનર : તિહાર જેલથી લઈને ક્રાઈમ બ્રાન્ચ સુધીનો વિશાળ અનુભવ
1992 બેચના અનુભવી આઈપીએસ અધિકારી ગોલચાએ એસબીકે સિંહનું સ્થાન લીધું : એપ્રિલ 2027 સુધી રહેશે કાર્યકાળ

નવી દિલ્હી: દિલ્હી પોલીસને નવા કમિશનર મળ્યા છે. 1992 બેચના અનુભવી આઈપીએસ અધિકારી સતીશ ગોલચાને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એસબીકે સિંહનું સ્થાન લેશે, જેમને પોલીસ કમિશનરની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. એસબીકે સિંહે 31 જુલાઈના રોજ જ ભૂતપૂર્વ કમિશનર સંજય અરોરાનું સ્થાન લીધું હતું.
આ નિમણૂક સાથે સતીશ ગોલચાનો કાર્યકાળ એપ્રિલ 2027 સુધી રહેશે. તેમની નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે દિવસથી અમલમાં આવશે. ગોલચા હાલમાં દિલ્હીના ડીજી (જેલ) તરીકે કાર્યરત હતા અને તિહાર જેલના મહાનિર્દેશક તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળતા હતા. તિહાર જેલ, મંડોલી અને રોહિણી જેલોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા અને જેલની કામગીરીમાં નોંધપાત્ર સુધારા લાવવા માટે તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
દિલ્હી પોલીસમાં ગોલચાનો વિશાળ અનુભવ
તિહાર જેલના ડાયરેક્ટર જનરલ તરીકેની ભૂમિકા ઉપરાંત, ગોલચાએ દિલ્હી પોલીસમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી છે. તેઓ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (ઇન્ટેલિજન્સ) અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ડીસીપી અને જોઈન્ટ કમિશનર જેવા વિવિધ પદો પર પણ તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
ગોલચાની નિમણૂક દિલ્હીના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, કેમકે તેમની પાસે પોલીસિંગ અને સુધારા બંને ક્ષેત્રનો બહોળો અનુભવ છે. હવે દિલ્હીના કમિશનર તરીકે તેમની આગામી કામગીરી પર સૌની નજર રહેશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
