<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ફૂટવેરમાં જીએસટી ઘટવાના કારણે ચોરીના કેસ લગભગ બંધ થઈ જશે

જીએસટીનો દર વધુ હોવાના લીધે કરવામાં આવતી ચોરી એક હજાર કરતાં ઓછી કિંમતના ફૂટવેર પર હવે ૧૨ના બદલે ૫ ટકા જીએસટી

મુંબઈ,તા.૨૨: એક હજાર કરતાં ઓછી કિંમતના ફૂટવેર પર ૧૨ ટકા અને તેના કરતાં વધુ કિંમતના ફૂટવેર પર ૧૮ ટકા જીએસટી વસૂલ કરવામાં આવે છે. પરંતુ જીએસટીના દરમાં ફેરફાર કરવાની જાહેરાત કરવાના કારણે એક હજાર કરતાં ઓછી કિંમતના ફૂટવેર પર હવે પ ટકા જીએસટી વસૂલ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે તેનો અમલ કરવામાં આવે તો હાલમાં કેટલાક લોકો ફૂટવેરમાં જીએસટી ચોરી કરી રહ્યા છે તેના પર લગામ લાગવાની શક્‍યતા જાણકારોએ વ્‍યકત કરી છે.

સમગ્ર દેશમાં એક હજાર કરતાં ઓછી કિંમતના ફૂટવેર ખરીદી કરનારાઓની સંખ્‍યા ૭૦થી ૭૫ ટકાની આસપાસ છે. જ્‍યારે તેના પર વધુ કિંમતના ફૂટવેર ખરીદી કરનારા ૨૫થી ૩૦ ટકાની વચ્‍ચે આવે છે. જ્‍યારે હાલમાં એક હજાર કરતાં ઓછી કિંમતના ફૂટવેર પર ૧૨ ટકા જીએસટી વસૂલ કરવાના કારણે ૫૦૦ રૂપિયાના ફૂટવેર પર ૯૦ રૂપિયા જીએસટી ચૂકવવો પડે છે. જ્‍યારે દરમાં ફેરફાર કરવામાં આવ્‍યા બાદ ૨૫ રૂપિયા જ ચૂકવવા પડે તેમ છે. આ કારણોસર જીએસટીના દરમાં ફેરફાર કરવાના કારણે ફૂટવેર સસ્‍તા થવાની સાથે તેમાં થતી જીએસટી ચોરી અટકવાની છે. કારણ કે ૯૦ રૂપિયાની સામે ૨૫ રૂપિયા ચૂકવવાના આવે તો કોઈ પણ વ્‍યક્‍તિને પરવડે તેમ છે. આ ઉપરાંત ફૂટવેરના વેપારમાં માર્જિન પણ એટલું વધારે નહીં હોવાના કારણે જીએસટી ચોરી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે તે બંધ થવાના કારણે સરકારને પણ જીએસટીની ફૂટવેર થકી સારી એવી આવક થવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી.

આ અંગે ફૂટવેર એસોસિયેશનના સેક્રેટરી રાહુલ બાફનાએ જણાવ્‍યું હતું કે જીએસટીના દરમાં ઘટાડો થવાના કારણે જીએસટી ચોરી તો ઘટશે જ સાથે સાથે તેના ભાવમાં પણ ખાસ્‍સો એવો ઘટાડો થવાનો છે. સરવાળે લોકોની સાથે સાથે સરકારને પણ તેનો લાભ મળવાનો છે.

(10:07 AM IST)