<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ઈન્‍કમટેક્‍સ રિટર્ન ભરવામાં ૨૬ એઆઈએસ ફોર્મ ડાઉનલોડ જ થતા નહીં હોવાની ફરિયાદ

આઇટી રિટર્ન ભરવાના આડે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે સર્વરના ધાંધિયાથી પરેશાની

મુંબઈ,તા.૨૨: ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાના આડે ગણતરીના દિવસો બાકી હોય ત્‍યારે સર્વરની સમસ્‍યાથી કરદાતાઓની પરેશાનીમાં વધારો થતો હોય છે, કારણ કે આગામી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં આઈટી રિટર્ન ભરી દેવાના હોય છે. ત્‍યારબાદ આઈટી રિટર્ન ભરનારાઓ પાસેથી ૫ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે. પરંતુ હાલમાં આઈટી રિટર્ન ભરવા માટે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું ૨૬ એઆઇએસ ફોર્મ જ ડાઉનલોડ થતું નહીં હોવાની વ્‍યાપક ફરિયાદ ઉઠી છે. સાથે સાથે રિટર્ન ભર્યા બાદ જ્‍યારે તેને અપલોડ કરવામાં આવે ત્‍યારે સમસ્‍યા ઊભી થાય છે.

ઈન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાના છેલ્‍લા દિવસો બાકી હોય ત્‍યારે દર વખતે સર્વરની સમસ્‍યા સર્જાતી હોય છે. આ માટે અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્‍યું નથી. જોકે ચાલુ વર્ષે કરદાતાઓને એક રાહત ચોક્કસ આપવામાં આવી છે કે આગામી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં કરદાતા પોતાનું આઈટી રિટર્ન ભરી શકશે, પરંતુ છેલ્‍લા ત્રણેક દિવસથી આઇટી પોર્ટલ પરથી કરદાતા દ્વારા ૨૬ એઆઈએસ ફોર્મ ડાઉનલોડ કરવા માંગે તો તે ડાઉનલોડ થતું નથી. આ ફોર્મ એટલા માટે જરૂરી છે કે તેના આધારે જ આઈટી રિટર્ન મોટાભાગે ભરવામાં આવતું હોય છે. તેમાં કરદાતાની સમગ્ર વિગતો જેવી કે ખરીદ વેચાણ સહિતના ડેટા હોવાના આધારે તે પ્રમાણે જ રિટર્ન ભરવામાં આવે તો કરદાતાને નોટિસ મળવાની સમસ્‍યા ઊભી થતી નથી, પરંતુ તે ફોર્મ ડાઉનલોડ નહીં થવાના કારણે રિટર્ન ભરવામાં જ સમસ્‍યા સર્જાય છે. જોકે ચાલુ વર્ષે આઇટીઆરના વિવિધ ફોર્મ પણ મોડા આવ્‍યા હોવાના લીધે મોટાભાગના કરદાતાઓ રિટર્ન પણ મોડા જ ભરી રહ્યા છે. ત્‍યારે સર્વરની સમસ્‍યાને કારણે રિટર્ન જ ભરાતા નહીં હોવાના લીધે કરદાતાની પરેશાનીમાં વધારો થયો છે. તેથી આ સમસ્‍યાનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તો જ કરદાતા ઝડપથી રિટર્ન ભરી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

(10:08 AM IST)