News of Friday, 22nd August 2025
પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં રિબડાના અનિરૂધ્ધસિંહને સરન્ડર થવા હાઇકોર્ટનો આદેશ
અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા સરકારે માફ કર્યા બાદ સરકારના નિર્ણયને પોપટભાઇના પોૈત્રએ હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટ દ્વારા એક માસમાં હાજર થવા આદેશઃ ૧૫ ઓગષ્ટ ૧૯૮૮માં હત્યાનો બનાવ બનેલઃ સરકારે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર સજા માફીનો નિર્ણય કર્યોઃ હરેશ સોરઠીયાના વકીલે કરેલ દલીલને હાઇકોર્ટે સ્વીકારી હુકમ કરતા ખળભળાટ

રાજકોટ તા.રરઃ ગોંડલમાં યોજાઈ રહેલા ધ્વજવંદન કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ઉપર ગોળીબાર કરી થયેલી હત્યાના ૩૭ વર્ષ પહેલાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે ફટકારેલી જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા સરકાર દ્વારા માફ કરવાનો હુકમ હાઇકોર્ટે અયોગ્ય ઠરાવી અનિરુદ્ધસિંહને ચાર સપ્તાહમાં સરન્ડર થવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૮૮ ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા. ૧૦-૭-૧૯૯૭ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. જોકે ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા.અનિરુદ્ધસિંહ જાડેજાએ ૧૮ વર્ષની સજા ભોગવી હતી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે.આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. સજા માફીની પડકારતી રીત અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી. દલીલ કરી હતી કે, ૨૦૧૭ માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટના ન્યાયધીશ એચ ડી સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફી નો લાભ ઉપાયો તેનો ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે.જેલ વિભાગ અધિકારીને અને સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે જાડેજાની સજા માફી રદ કરી તેની બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ તેથી અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ. અરજદાર દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, હત્યા બાદ તેમના પરિવાર પોતાની તમામ મિલ્કત વેચીને ગોંડલ છોડીને જતુ રહેવુ પડયુ હતુ. અરજીની લંબાણપૂર્વકની સુનાવણી બાદ આજે ઉઘડતી કોર્ટે સરકાર દ્વારા આજીવન કેદની સજા માફ કરવાનો હુકમ અયોગ્ય ઠરાવી અનિરુદ્ધસિંહને ચાર સપ્તાહમાં સરન્ડર થવાનો હુકમ કર્યો છે.(૨.૧૯)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
