હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓનલાઇન ગેમિંગ પર હવે પ્રતિબંધ : બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તે હવે કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ અમલમાં આવી

નવી દિલ્હી : ઓનલાઈન ગેમિંગ બિલ સંસદના તાજેતરના ચોમાસા સત્ર દરમિયાન પસાર થયું હતું. સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરાયેલ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ સાથે, ફેન્ટસી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો માર્ગ સાફ થઈ ગયો છે.
રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તે હવે કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ અમલમાં આવી છે. આ કાયદાના અમલ પછી, ફેન્ટસી લીગ, કાર્ડ ગેમ્સ, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ 20 ઓગસ્ટના રોજ લોકસભા અને 21 ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલ બંને ગૃહોમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાયદાના અમલીકરણથી દેશના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ડ્રીમ ૧૧ અને માય ઈલેવન સર્કલ જેવી ફેન્ટસી ગેમિંગ એપ્સે તેમના પ્લેટફોર્મ પર રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ $૩.૮ બિલિયનનો હોવાનો અંદાજ છે. નવા કાયદાને કારણે આ ઉદ્યોગનું ભવિષ્ય જોખમમાં છે.
નોંધનીય છે કે સંસદમાં આ બિલ રજૂ કરતી વખતે, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઓનલાઈન ગેમિંગના ત્રણ વિભાગો છે. તેમણે કહ્યું હતું કે સરકાર બે વિભાગોને પ્રોત્સાહન આપશે, રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આઈટી મંત્રીએ રિયલ મની ગેમિંગને સમાજ માટે એક મોટો પડકાર ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારે સમાજ અને મહેસૂલ વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે સરકારે હંમેશા સમાજને પ્રાથમિકતા આપી છે અને આ બિલમાં પણ અમે સમાજને પસંદ કર્યો છે. અશ્વિની વૈષ્ણવે કર્ણાટકમાં આત્મહત્યાના આંકડાઓ સંબંધિત મીડિયા અહેવાલોને પણ ટાંક્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
