News of Saturday, 23rd August 2025
પતિ બેકાર હોય તો અપમાન કરી શકાય?
છત્તીસગઢ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

બિલાસપુર તા.૨૩: સાસરિયા વહુને મહેણાંટોણા મારે એવા કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ છત્તીસગઢમાં પત્નીએ પતિને મહેણાંટોણા મારીને પરેશાન કરી દીધો હોવાની ઘટના જાણવા મળી છે. આવા જ એક ફેમિલી કિસ્સામાં છત્તીસગઢ હાઈ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ભિલાઈનો રહેવાસી અનિલ વ્યવસાયે વકીલનું કામ કરતો હતો. ૨૬ ડિસેમ્બર ૧૯૯૬ના રોજ અનિલના એક યુવતિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને એક છોકરો અને એક છોકરી એમ બે સંતાન પણ થયા હતા. લગ્ન બાદ અનિલની પત્નીએ પીએચડી કરીને પ્રિન્સિપાલ તરીકે નોકરી મેળવી હતી. ત્યાર બાદ પત્નીનો વહેવાર બદલાઈ ગયો હતો.
કોરોનાકાળ દરમિયાન કોર્ટ બંધ થતા અનિલને ઘરે બેસવાની નોબત આવી હતી. ત્યારે પત્નીએ તેને બેરોજગાર કહીને મહેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું. ઓગસ્ટ ૨૦૨૦માં પત્નીએ અનિલ સાથે ઝઘડો કર્યો હતો અને દીકરીને લઈને પોતાની બહેનના ઘરે ચાલી ગઈ હતી.
થોડા દિવસો બાદ તે પાછી આવી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તે ફરી ઘર છોડીને ચાલી ગઈ હતી. તેણે ઘરમાં એક લેટર પણ છોડ્યો હતો, જેમાં લખેલું હતું કે, હું મારી મરજીથી પતિ અને દીકરા સાથેના તમામ સંબંધો તોડીને જઈ રહી છું.
અનિલે પત્નીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તે ઘરે પાછા આવવા માટે રાજી થઈ ન હતી. આખરે અનિલે દુર્ગ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં અનિલે જણાવ્યું હતું કે, પત્ની જ્યારે ઘરમાં રહેતી હતી, ત્યારે મને ગાળો, મહેણાંટોણા મારતી અને અપમાનજનક શબ્દો બોલતી હતી.
પત્નીએ કોઈ કારણ વગર જાણીજોઈને ઘર છોડી દીધું છે. ઘણીવાર મનાવવાના પ્રયાસો કરવા છતાં પણ તે ઘરે પાછી આવવા રાજી થઈ નથી. તેણે દીકરાને મારી પાસે છોડી દીધો છે અને દીકરીને પોતાની સાથે લઈ ગઈ છે.
જોકે, ઓક્ટોબર ૨૦૨૩માં દુર્ગ ફેમિલી કોર્ટે અનિલની અરજીને ફગાવી દીધી હતી, જેથી અનિલે છત્તીસગઢ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈ કોર્ટે સમન મોકલ્યા છતા પત્ની કોર્ટમાં હાજર રહી ન હતી.
તેથી હાઈ કોર્ટે પતિ અને સાક્ષીઓના નિવેદન, પત્નીનો લેટર અને અન્ય દસ્તાવેજોના આધારે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો અને કહ્યું હતું કે, પત્નીએ કોઈ યોગ્ય કારણ વગર પતિને છોડી દીધો છે. તેના વ્યવહારથી માનસિક ક્રૂરતા પૂરવાર થાય છે. આ સાથે છત્તીસગઢ હાઈ કોર્ટે અનિલના છૂટાછેડાની અરજી પણ સ્વીકારી લીધી હતી.(૩૮.૧૩)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
