News of Saturday, 23rd August 2025
શિક્ષકો દેશની ‘બૌદ્ધિક કરોડરજ્જુ': તેમને પૂરતું વળતર મળવું જોઇએ
શિક્ષકો સાથે કરાતાં વર્તન બદલ સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી તા.૨૩: શિક્ષકોને સન્માનજનક વળતર ન આપવાથી જ્ઞાન પર આધારિત દેશનું મૂલ્ય ઘટે છે અને બૌદ્ધિક સંપતિ ઊભી કરવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેમનાથી મળતી પ્રેરણાનું મૂલ્ય પણ ઓછું અંકાય છે તેવી ટકોર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરી હતી. શિક્ષકો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે વિશે પણ સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી.
જસ્ટિસ પી એસ નરસિંહા અને જાસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે શિક્ષકો, લેક્ચરર્સ અને પ્રોફેસર્સને કોઇ પણ દેશ માટેની ‘બૌધ્ધિક કરોડરજ્જુ' ગણાવી હતી. બેન્ચે કહ્યું હતું કે આ લોકો ભાવિ પેઢીઓના મગજ અને ચરિત્ર નિર્માણમાં તેમનું જીવન સમર્પિત કરી દે છે. સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતોને અમલમાં મૂકી બેન્ચે નિર્દેશ આપ્યો કે ગુજરાતમાં કરાર આધારિત નિયુક્ત કેટલાક સહાયક પ્રોફેસરોને, તેમને માન્ય લઘુત્તમ પગાર ધોરણનો લાભ મળશે. ગુજરાત હાઇકોર્ટના બે ચુકાદા સામે ફાઇલ કરાયેલી અપીલો પર બેન્ચે તેનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં એકસરખી ફરજો અને કામગીરી બજાવતાં સહાયક પ્રોફેસરોને સમામ પગારના દાવા માટેના ચુકાદા સામેલ હતા. સુપ્રીમે કહ્યું હતું કે ઘણાં કેસોમાં શિક્ષકોને મળતાં વળતર અને માન્યતા એ તેમના યોગદાનના મહત્વનું સાચું પ્રતિબિંબ પૂરું પાડતાં નથી. શિક્ષકોને સન્માનજનક વેતન કે સન્માન ન મળે તો તેનાથી જ્ઞાન આધારિત રાષ્ટ્રનું મૂલ્ય ઘટે છે અને બૌદ્ધિક સંપત્તિ ઊભી કરવાની જવાબદારી જેમને સોંપાઇ છે તેમની પ્રેરણાનું મૂલ્ય પણ ઓછું અંકાય છે.
બેન્ચે વધુમાં ઉમેર્યું હતું કે ‘શિક્ષકોને સારું વેતન અને સન્માન આપવાથી અમે તેમની ભૂમિકાના મહત્વને માન આપીએ છીએ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, નવીનતા અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને મજબૂત કરીએ છીએ.'
માત્ર જાહેર સમારોહોમાં ‘ગુરુબ્રહ્મા ગુરુવિશ્ણુ ગુરદેવો મહેશ્વરહ' જેવા સંસ્કૃતના શ્લોકોનું પઠન જ પૂરતું નથી તેમ જણાવતાં સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે જો આપણે આમાં માનતા હોઇએ તો રાષ્ટ્ર તેના શિક્ષકો સાથે જે રીતે વર્તે છે તેમાં પ્રતિબિંબિત થવું જોઇએ.(૩૮.૮)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
