News of Saturday, 23rd August 2025
ટ્રમ્પનું નવું ‘નિશાન': ફાર્મા બાદ હવે ફર્નિચર
ફર્નિચરની આયાત ઉપર ટેરિફ ઝીંકવા તૈયારી : ભારત ઉપર અસર પડશે

વોશીંગ્ટન, તા.૨૩: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે આગામી ૫૦ દિવસમાં તપાસ પૂર્ણ થશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે અન્ય દેશોમાંથી અમેરિકા આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લાદવી જોઈએ. ટ્રમ્પ માને છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને દેશની અંદર ઉત્પાદન લાવશે.
ટ્રમ્પ ફર્નિચરની આયાત પર ટેરિફ કેમ લાદવા માંગે છે? : ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્રો હતા, પરંતુ સસ્તા મજૂર અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે, મોટાભાગની કંપનીઓએ તેમનું કામ વિદેશમાં લઈ લીધું. ટ્રમ્પ કહે છે કે નવા ટેરિફ કંપનીઓને ફરીથી અમેરિકામાં ઉત્પાદન કરવા દબાણ કરશે.
આ જાહેરાતની સીધી અસર યુએસ શેરબજારમાં જોવા મળી. વેફેર, આરએચ અને વિલિયમ્સપ્રસોનોમા જેવી મુખ્ય ફર્નિચર અને ગળહનિર્માણ કંપનીઓના શેર ઘટયા. તે જ સમયે, અમેરિકામાં મોટાભાગના ફર્નિચરનું ઉત્પાદન કરતી લા-ઝેડ-બોય જેવી અમેરિકન ઉત્પાદક કંપનીઓના શેરમાં વધારો થયો. વિશ્લેષકો માને છે કે જો ટેરિફ લાગુ કરવામાં આવશે તો વિદેશી ઉત્પાદનો મોંઘા થશે અને સ્થાનિક કંપનીઓને ફાયદો થશે.
અમેરિકન વાણિજ્ય વિભાગ હાલમાં તપાસ કરી રહ્યું છે. આ તપાસ વેપાર વિસ્તરણ અધિનિયમ, ૧૯૬૨ ની કલમ ૨૩૨ હેઠળ કરવામાં આવી રહી છે. આ કાયદો અમેરિકન સરકારને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ટેરિફ હાલની ડ્યુટી ઉપરાંત હશે કે તેને બદલશે.
એક સમય હતો જ્યારે અમેરિકાનો ફર્નિચર ઉદ્યોગ ખૂબ જ મજબૂત હતો. ૧૯૭૯ માં, લગભગ ૧૨ લાખ લોકો આ ઉદ્યોગમાં કામ કરતા હતા. ૨૦૨૩ સુધીમાં, આ સંખ્યા ઘટીને માત્ર ૩.૪ લાખ થઈ ગઈ છે. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશમાં સસ્તું ઉત્પાદન અને મોટા પાયે આઉટર્સોસિંગ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ કહે છે કે નવા ટેરિફથી માત્ર અમેરિકન ઉદ્યોગને વેગ મળશે નહીં પરંતુ હજારો લોકો માટે રોજગાર પણ પાછો આવશે.
શું ટ્રમ્પની જાહેરાત ભારતને અસર કરશે? : ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યાપક રણનીતિનો એક ભાગ છે. સરકાર પહેલાથી જ અન્ય ઉત્પાદનો પર પણ ટેરિફ લાદવાનું વિચારી રહી છે. આમાં કોપર, સેમિકન્ડક્ટર અને દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ)નો સમાવેશ થાય છે. આ વ્યૂહરચનાનો ધ્યેય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વિદેશી નિર્ભરતા ઘટાડવા અને અમેરિકામાં ઉદ્યોગ અને રોજગારને ફરીથી મજબૂત બનાવવાનો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પની આ જાહેરાત ભારત પર પણ અસર કરશે કારણ કે ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં ફર્નિચરની નિકાસ પણ કરે છે.(૨૩.૬)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
