તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Saturday, 23rd August 2025
ગોંડલના રાજકારણમાં નવો વળાંક : ર૦૧૮માં આજીવન કેદ
અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થતા હવે રીબડા જુથનું શું થશે : માંથી જેલ મુકત થયેલા અનિરૂધ્ધસિંહ જાડેજાને ફરી આજીવન કેદની સજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૩: ગત વિધાનસભાથી રીબડા જુથ અને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જુથ વચ્ચે ચાલી રહેલી અસ્તિત્વની લડાઈ લોહીયાળ બને તે પહેલા જ આ કશ્મકશ માં પોપટભાઇ સોરઠીયા ની હત્યાનાં આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા માંથી વર્ષ ૨૦૧૮ માં એનકેન પ્રકારે થયેલી સજામાફી સામે પોપટભાઇ સોરઠીયાનાં પૌત્ર દ્વારા હાઇકોર્ટમાં સજા માફી સામે કરેલી અરજી હાઇકોર્ટ દ્વારા માન્ય રખાઇ છે. અને ૧૯૯૭ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી આજીવન કેદ બરકરાર રાખી છે. હવે અનિરુદ્ધસિંહ આજીવન કેદ ભોગવશે ત્યારે આ ચુકાદાથી ગોંડલનાં રાજકારણમાં જબરો પલટો સર્જાયો છે.
જયરાજસિહ જાડેજાનાં કટ્ટર હરીફ રીબડાનાં અનિરુદ્ધસિંહને હવે આજીવન કારાવાસ આવતા ગોંડલ પંથકમાં જયરાજસિહ ફરીવાર ‘સુલતાન' સાબીત બન્યા છે. ૧૯૯૭ થી ધારાસભ્ય પદ ભોગવી રહેલા જયરાજસિહ જાડેજા પરીવારનાં સમર્થન માં ગોંડલ પંથક નો બહુધા પાટીદાર સમાજ છે.પરંતુ ગત વિધાનસભા સમય થી ધારાસભ્ય પદ માટે અનિરુદ્ધસિંહ તથા જયરાજસિહ વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઇ હતી. અનિરુદ્ધસિંહને તેના પુત્ર રાજદિપસિંહને ભાજપની ટીકીટ અપાવવી હતી. પરંતુ ભાજપે ગોંડલ બેઠક માટે ફરીવાર જયરાજસિહનાં પત્નિ ગીતાબાને ટીકીટ આપતા રીબડાજુથ અને જયરાજસિંહ જુથ વચ્ચે ભડકો સર્જાયો હતો.જેની અગનજવાળાઓ આજ સુધી લબકારા મારી રહીછે.
સુત્રો અનુસાર રીબડાનાં અમીત ખુંટનો ભોગ આ અગનજવાળાઓમાં લેવાયાનું મનાઇ રહ્યુ છે. કારણ અમીત ખુંટ જયરાજસિહનો ચુસ્ત ટેકેદાર ગણાતો હતો. જયરાજસિહ માટે રીબડામાં અનિરુદ્ધસિંહ નાં વર્ષોથી ચાલતા એકચક્રીય શાસન સામે બગાવત કરનાર અમીત ખુંટ હતો. વિધાનસભામાં ગીતાબા ને હરાવવા પરદા પાછળ અનિરુદ્ધસિંહ જુથે પ્રયત્નો કરેલા તેવી ચર્ચાઓ પણ ગોંડલમાં ચુંટણી સમયે વેગવંતી બની હતી.
ઉપરાંત જુનાગઢ નાં રાજુ સોલંકી પ્રકરણ માં પણ જયરાજસિહનાં પુત્ર ગણેશભાઈને ફસાવવામાં અનિરુદ્ધસિંહ હોવાની વિગતો પણ મોટા પાયે ચર્ચાતી હતી. ઉપરાંત રાજકુમાર જાટ પ્રકરણમાં જયરાજસિહ તથા તેના પુત્ર ગણેશભાઈને ફીટ કરાવવા રીબડાજુથની સક્રીય ભુમિકા હોવાની વિગતો પણ ચર્ચાઇ રહી હતી. બીજી બાજુ અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહને પુરેપુરા ભીડવવા જયરાજસિહની કુનેહ કામ કરતી હોવાનુ પણ કહેવાઇ રહ્યુ છે. આમ છેલ્લા અઢી વર્ષથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ ની અહમ ની લડાઈ કયારે લોહીયાળ રુપ ધારણ કરે તેવી દહેશત વચ્ચે હવે અનિરુદ્ધસિંહની માફી થયેલી સજા હાઇકોર્ટ દ્વારા રદ કરતો હુકમ થતા હાલ તુરંત અનિરુદ્ધસિંહ તથા જયરાજસિહ વચ્ચે ની લડાઈ નાં ચકચારી ચેપ્ટર નો અંત તો નથી આવ્યો પણ સ્થગિત થયાનું જરુર કહી શકાય.
તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા ન કેવળ સૌરાષ્ટ્ર નાં ખેડુત નેતા જ ના હતા પણ બાહુબલી નેતા પણ હતા.એ સમયે તેમણે ગુંડાગીરી વિરુધ્ધ જેહાદ શરુ કરી હતી, ગમે તેવા ચમરબંધી સાથે બાથ ભીડવાની તેમનાં માં તાકાત હતી.ગોંડલ પંથક ની વિધાનસભા ખાસ કરીને લેઉવા પટેલ સમાજની જાગીર ગણાતી હતી. કારણ કારણ કે કુલ મતદારો પૈકી ૭૦ થી ૮૦ ટકા મતદારો માત્ર પાટીદાર સમાજ નાં જ હતા.પોપટભાઇ સોરઠીયા ૧૯૭૧ થી ૧૯૮૮ સુધી એક ટર્મ ને બાદ કરતા ત્રણ ટર્મ માટે ધારાસભ્ય બન્યા હતા.તેઓ બે ટર્મ કોંગ્રેસ તથા એક ટર્મ કિમલોપ માંથી ચુંટાયા હતા.ગોંડલ માં એક બાજુ લેઉવાપટેલ ની બહુમતી હતી તો બીજી બાજુ પોપટભાઇ માત્ર ગોંડલ જ નહી સૌરાષ્ટ્રભરનાં અગ્રીમ ખેડુત નેતા હતા.
આ સમયે ગોંડલ પંથક માં પાટીદાર અને ક્ષત્રીય સમાજ વચ્ચે જબરો ખટરાગ હતો. બન્ને સમાજ વચ્ચે સતા માટેની હુંસાતુસી પણ તિવ્ર બનતી જતી હતી.આ અરસા માં ૧૫/૮/૮૮ નાં સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ધ્વજવંદન નાં કાર્યક્રમ માં ઉચ્ચ અધિકારીઓ અને હજારો લોકો વચ્ચે રીબડા નાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પિસ્તોલનુ નાળચુ માથા પર અડાડી ધ્વજવંદનમાં બેઠેલા ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ગોળીથી વીંધી હત્યા કરી હતી. બનાવ નાં પગલે સૌરાષ્ટ્રભર માં હાહાકાર મચી ગયો હતો. બીજી બાજુ પોપટભાઇ ની હત્યા થી પટેલ સમાજમાં રીબડાનો ખૌફ બરકરાર બનવા પામ્યો હતો. પોપટભાઇની હત્યા પછી અનિરુદ્ધસિંહ નાં પિતા મહિપતસિંહ જાડેજા બે ટર્મ માટે અપક્ષ ચુંટણી લડી ગોંડલનાં ધારાસભ્ય બન્યા હતા. એ પછી લોઢુ લોઢા ને કાપે તેવી કુટનિતી વાપરી ભાજપે દબંગ ગણાતા જયરાજસિહ ને ટીકીટ આપી અને મહિપતસિંહને હરાવી જયરાજસિહ ધારાસભ્ય બન્યા. અલબત્ત આ સાથે ગોંડલની સતાનો તખ્તો પલટાયો હોય તેમ ૯૦ હજાર થી વધુ મતદારો ધરાવતા લેઉવા પટેલ સમાજ ને બદલે માત્ર આઠ દશ હજાર મતદાર ધરાવતા ક્ષત્રીય સમાજ નાં ઉમેદવાર આજ સુધી ધારાસભ્ય બની રહ્યા છે.જે આજ સુધીનું મોટુ આશ્ર્ચર્ય કહી શકાય.
૧૯૮૮ માં પોપટભાઇ સોરઠીયા ની હત્યા બાદ ૧૯૯૩ માં અનિરુદ્ધસિંહને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા હતા.પરંતુ ચુકાદા સામે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માં અપીલ કરાતા ૧૯૯૭ માં અનિરુદ્ધસિંહ ને હત્યા કેસ માં આજીવન સજાનો ચુકાદો ફરમાવાયો હતો.આજીવન કેદ નાં ચુકાદાનાં પગલે અનિરુદ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા હતા.પોલીસ ની ભીંસ વધતા આખરે વર્ષ ૨૦૦૦ માં તેઓ સરન્ડર થઈ જેલ હવાલે થયા હતા. દરમિયાન અનિરુદ્ધસિંહ નાં પુત્ર દ્વારા તા.૨૯/૧/૨૦૧૮ માં પિતા અનિરુદ્ધસિંહને જેલ સજા માફી માટે જેલનાં એડીજી જીપી બિસ્ટ ને અરજી કરતા અનિરુદ્ધસિંહ ૨૦૧૮માં જેલ મુક્ત થયા હતા. આમ અનિરુદ્ધસિંહે ૧૮ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો.
હવે સમય નો આકરો પલટો આવતા હાઇકોર્ટે ૧૯૯૭ ની આજીવન કેદની સજા કાયમ રાખતા રીબડા જુથને કારમો ફટકો પડ્યો છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
