હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું ચીન ભારત માટે અમેરિકાનું સ્થાન લઈ રહ્યું છે? નિષ્ણાતોના મતે, યુએસ ટેરિફથી નારાજ ભારત ચીન તરફ ઝુકી રહ્યું છે!
ચીનનો ખુલ્લો ટેકો અને અમેરિકાની 'ગુંડાગીરી': અમેરિકા વિરુદ્ધ ચીન: એક નવી લડાઈ?: યુએસ માટે ભારતમાં વધી રહેલી નારાજગી: ચીન ઉઠાવી રહ્યું છે તકનો લાભ

નવી દિલ્હી : તાજેતરમાં ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે એક અસામાન્ય નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. તેમણે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફ સામે ભારતનો પક્ષ મજબૂત રીતે લીધો અને કહ્યું, "મૌન રહેવાથી ગુંડાઓને પ્રોત્સાહન મળે છે." તેમણે અમેરિકાને 'ગુંડાગીરી' કરનાર દેશ તરીકે ગણાવ્યો અને ભારતના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપ્યું, જે સામાન્ય રીતે વિદેશી રાજદૂતો કરતા નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પછી જ શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ની બેઠક ચીનમાં યોજાવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ઘટનાક્રમથી એવા સવાલો ઉભા થયા છે કે શું યુએસ ટેરિફના કારણે નારાજ થયેલું ભારત ચીન તરફ નિકટતા વધારી રહ્યું છે.
અમેરિકા અને ચીન વચ્ચેનું 'ટેરિફ યુદ્ધ' જૂનું છે. અમેરિકાએ ચીની માલ પર ૧૪૫ ટકા સુધીનો અને ચીને અમેરિકન ઉત્પાદનો પર ૧૨૫ ટકા સુધીનો ટેક્સ લાદ્યો હતો. જોકે, ૨૦૨૫માં બંને દેશોએ ટેરિફ ઘટાડવા માટે કરાર કર્યો, પરંતુ તાણ હજુ પણ યથાવત છે. હવે આ ટેરિફ યુદ્ધમાં ભારત પણ એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.
ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે સ્પષ્ટપણે કહ્યું કે, અમેરિકાએ ભારત પર ૫૦ ટકા જેટલા ટેરિફ લગાવ્યા છે અને હજુ વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી રહ્યું છે, જેનો ચીન સખત વિરોધ કરે છે. તેમણે ભારત અને ચીનને એશિયાના આર્થિક વિકાસના 'ડબલ એન્જિન' ગણાવ્યા, જે વિશ્વ માટે ફાયદાકારક છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત વધારી છે, જેણે અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ ઉભો કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયાના યુદ્ધ મશીનને સમર્થન આપી રહ્યું છે, જ્યારે ભારતે દલીલ કરી કે અમેરિકી વહીવટીતંત્રે પોતે વૈશ્વિક ઊર્જા બજારને સ્થિર કરવા માટે રશિયન તેલ ખરીદવાની સલાહ આપી હતી.
આ બધાની વચ્ચે, દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇનીઝ સ્ટડીઝના ડિરેક્ટર પ્રોફેસર અલ્કા આચાર્ય માને છે કે યુએસ ટેરિફથી ભારતમાં લોકોમાં અમેરિકા પ્રત્યે નારાજગી વધી છે. તેમણે કહ્યું કે, "ટ્રમ્પે ભારતના પડોશી દેશો પર એટલી ટેરિફ નથી લગાવી, જેટલી તેમણે ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવી છે. તેથી, અહીં અમેરિકા વિરોધી ભાવના ચીન વિરોધી ભાવનાથી ઓછી નથી."
નિષ્ણાતો માને છે કે ભારત અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતા પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યા છે. કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડો-પેસિફિક સ્ટડીઝના સ્થાપક પ્રોફેસર ચિંતામણિ મહાપાત્રએ કહ્યું કે, "છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. ચીન ભારતનો મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે અને સંબંધોને સામાન્ય બનાવવું એક સામાન્ય પ્રક્રિયા છે."
જોકે, ચીન અમેરિકાનું સ્થાન લઈ શકે તેવું લાગતું નથી. ભલે ચીન સાથે ભારતનો વેપાર વધે, પરંતુ ક્વાડ (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) જેવા જૂથો દ્વારા ભારતની વ્યૂહાત્મક ભાગીદારી ચીનને પ્રાદેશિક રીતે સંતુલિત કરવામાં મદદ કરશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, અમેરિકાના એકતરફી ટેરિફથી ભારતની નારાજગી વધી છે, અને ચીન આ તકનો લાભ ઉઠાવી રહ્યું છે. આ જોતા, આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
