News of Saturday, 23rd August 2025
એ દિવસ દૂર નથી જ્યારે ભારત પાસે પોતાનું અવકાશ સ્ટેશન હશે: ભારત ૨૦૩૫ સુધીમાં પોતાનું અવકાશ સ્ટેશન બનાવશે: વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત
ઈસરોના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ભારતીય અવકાશ સ્ટેશનનો પ્રથમ મોડ્યૂલ ૨૦૨૮ સુધીમાં ઓર્બિટમાં મૂકાશે, અને સંપૂર્ણ સ્ટેશન ૨૦૩૫ સુધીમાં કાર્યરત થશે

નવી દિલ્હી: ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓ વિશે મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, “એ દિવસ દૂર નથી જ્યારે ભારત પાસે પોતાનું અવકાશ સ્ટેશન હશે.” આ જાહેરાતે ભારતના અવકાશ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ વધવાની તૈયારીઓને રેખાંકિત કરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ૨૦૩૫ સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપવા માટે કામ કરી રહી છે. આ સ્ટેશન ભારતની અવકાશ સંશોધન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ આપશે અને વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મહત્વનું મંચ બનશે. તેમણે ઉમેર્યું કે, ચંદ્રયાન-૩ની સફળતા બાદ ચંદ્રયાન-૪ અને ગગનયાન મિશન પણ આ દિશામાં મહત્વના પગલાં છે. ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ૨૦૨૫માં પૂર્ણ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાનું પણ આયોજન કરી રહી છે. વડાપ્રધાન મોદીએ યુવાનોને અવકાશ વિજ્ઞાનમાં રસ લેવા અને દેશના અવકાશ કાર્યક્રમોમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું, “આપણું યુવાધન ભારતને અવકાશ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરનાર બનાવશે.” આ જાહેરાતે ભારતની અવકાશ યાત્રામાં નવો અધ્યાય ઉમેર્યો છે, જે દેશને વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વનું પગલું છે.
તેમણે ચંદ્રયાન-3૩ મિશનની સફળતા પર પ્રકાશ પાડ્યો, જેના દ્વારા ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પ્રથમ દેશ બન્યો. આ સિદ્ધિએ દેશમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ જગાડ્યો, ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં, જેઓ હવે અવકાશયાત્રી બનવાના સપના જોવે છે. મોદીએ જણાવ્યું કે, “એ દિવસ દૂર નથી જ્યારે ભારત પાસે પોતાનું અવકાશ સ્ટેશન હશે.” આ નિવેદન ભારતના મહત્વાકાંક્ષી ભારતીય અવકાશ સ્ટેશન પ્રોજેક્ટનો ઉલ્લેખ કરે છે, તેમણે ગગનયાન મિશનની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો, જે ભારતનું પ્રથમ માનવ અવકાશયાત્રા મિશન છે અને આ મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને આ વર્ષમાં પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. વધુમાં, મોદીએ ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરના મિશનની પ્રશંસા કરી, જેમણે તાજેતરમાં એક્સિયમ-૪ મિશન હેઠળ ૬૦થી વધુ પ્રયોગો કર્યા હતા. તેમણે આ સિદ્ધિઓને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને યુવા પ્રતિભાનું પ્રતીક ગણાવ્યું.
ઈસરોના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ભારતીય અવકાશ સ્ટેશનનો પ્રથમ મોડ્યૂલ ૨૦૨૮ સુધીમાં ઓર્બિટમાં મૂકાશે, અને સંપૂર્ણ સ્ટેશન ૨૦૩૫ સુધીમાં કાર્યરત થશે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
