News of Monday, 25th August 2025
ઇઝરાયલના હવાઈ હુમલાથી યમનની રાજધાની સના હચમચી : ૬ના મોત
મિસાઈલોનો વરસાદ કર્યો : આ હવાઈ હુમલાઓમાં રાષ્ટ્રપતિ મહેલ, બે પાવર પ્લાન્ટ અને એક ઇંધણ સંગ્રહ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું : ૮૬થી વધુને ઇજા : પીએમ નેતન્યાહૂએ કહ્યું કે યમને કરેલા હુમલાની તેને ભારે કિંમત ચૂકવવી પડશે

નવી દિલ્હી, તા.૨૫: ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર નવા પ્રકારની મિસાઇલ છોડ્યા બાદ ઇઝરાયલે યમનની રાજધાની સના પર મોટો હુમલો કર્યો. અહેવાલ મુજબ, યમનની રાજધાની સના પર નિયંત્રણ રાખતા હુથી બળવાખોરોના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને ૮૬ થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલી સેનાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે રાષ્ટ્રપતિ મહેલ સ્થિત એક લશ્કરી સ્થળ તેમજ બે પાવર પ્લાન્ટ અને ઇંધણ સંગ્રહ સ્થળ પર હુમલો કર્યો હતો.ઇઝરાયલી સંરક્ષણ દળોએ કહ્યું છે કે આ હુમલો ઇઝરાયલ અને તેના નાગરિકો પર હુથી આતંકવાદી શાસન દ્વારા વારંવાર કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે. ઇઝરાયલી વાયુસેનાના અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ૧૦ થી વધુ ફાઇટર જેટ વિમાનોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે સૌથી દૂરનું લક્ષ્ય ઇઝરાયલથી લગભગ ૨,૦૦૦ કિલોમીટર (૧,૨૪૦ માઇલ) દૂર હતું.
હુથી સંચાલિત અલપ્રમસિરાહ ટીવીએ દેશના આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ઇઝરાયલી હુમલાઓમાં મોટા પાયે વિનાશ થયો છે અને જાનપ્રમાલનું નુકસાન થયું છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા આ હુમલો ઇરાન સમર્થિત બળવાખોરોએ ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ફેંકયાના થોડા દિવસો પછી થયો છે.
હુથી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે સનાના પાવર સ્ટેશન અને ગેસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રહેવાસીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મહેલની નજીકના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોના મોટા અવાજો સંભળાયા હતા. એક અઠવાડિયા પહેલા બળવાખોરોના કબજા હેઠળના સના પર હુમલો થયો ત્યારે, ઇઝરાયલે કહ્યું હતું કે હુમલાઓમાં બળવાખોરો દ્વારા ઉપયોગમાં લેવાતા પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇરાન સમર્થિત હુથી બળવાખોરો ૨૨ મહિનાથી વધુ સમયથી ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન ચલાવી રહ્યા છે અને લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે આ હુમલાઓ કરી રહ્યા છે. હુથી બળવાખોરોએ શુક્રવારે દેશના સૌથી મોટા એરપોર્ટને નિશાન બનાવીને ઇઝરાયલ તરફ નવી મિસાઇલો છોડવાનો દાવો કર્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાથી ઇઝરાયલમાં નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
ક્લસ્ટર બોમ્બવાળી મિસાઇલો એક નવા ખતરાનો સંકેત આપે છે.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે મિસાઇલને હવામાં જ નષ્ટ કરી દીધી. ઇઝરાયલી વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે યમનથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી ક્લસ્ટર બોમ્બ મિસાઇલ એક નવા ખતરાનો સંકેત છે. અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૩ માં ઇઝરાયલ તરફ રોકેટ છોડવાનું શરૂ કર્યા પછી હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ છોડ્યા હોય તેવું આ પહેલી વાર હતું. અધિકારીએ કહ્યું કે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ ઇઝરાયલ માટે તેમને રોકવાનું મુશ્કેલ બનાવે છે.(૨૩.૧૨)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
