<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

એક જ નૌકામાં સવાર...': ભારત-ફીજી વચ્ચે મોટી સંરક્ષણ ડીલ, સાત સમુદ્ર પારથી ચીનને જવાબ

વડાપ્રધાન મોદી અને ફીજીના વડાપ્રધાન સિટિવેની રાબુકા વચ્ચે બેઠક; સંરક્ષણ, કૃષિ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર.

નવી દિલ્હી : ભારત અને ફીજીએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક મોટી વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. ફીજીના વડાપ્રધાન સિટિવેની રાબુકાની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આ સમજૂતીઓ ચીનની વધતી પ્રવૃત્તિઓ વચ્ચે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત કરશે.
 સંરક્ષણ અને સુરક્ષામાં મોટો સહયોગ: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "ભારત અને ફીજી ભલે મહાસાગરોથી દૂર હોય, પરંતુ અમારી આકાંક્ષાઓ એક જ નૌકામાં સવાર છે." તેમણે કહ્યું કે બંને દેશો મુક્ત, સમાવેશી, સુરક્ષિત અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રનું સમર્થન કરે છે.
આ સંરક્ષણ ડીલ હેઠળ ભારત ફીજીને આ પ્રમાણે સહયોગ કરશે:
દરિયાઈ સુરક્ષા: ફીજીની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે તાલીમ અને ઉપકરણોની સહાય.
સાયબર સુરક્ષા: સાયબર સુરક્ષા તાલીમ સેલની સ્થાપના અને નૌકાદળ સહયોગ.
આર્થિક ક્ષેત્ર: ફીજીના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ની સુરક્ષામાં મદદ.
 અન્ય મહત્વપૂર્ણ સમજૂતીઓ
આરોગ્ય: ફીજીમાં ૧૦૦ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ, જનઔષધિ કેન્દ્રો અને ઈ-સંજીવની ટેલિમેડિસિન સેવાઓની શરૂઆત.
કૃષિ: કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ભારત ૧૨ ડ્રોન, મોબાઈલ સોઈલ ટેસ્ટિંગ લેબ અને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોની આપૂર્તિ કરશે.
સાંસ્કૃતિક: હિન્દી અને સંસ્કૃત શિક્ષકોની નિમણૂક, ગીતા મહોત્સવનું આયોજન અને પુજારીઓને ભારતમાં તાલીમ આપવાનો નિર્ણય.
આ સમજૂતીઓને પગલે વડાપ્રધાન રાબુકાએ ભારતને 'સાચો મિત્ર' ગણાવ્યો અને વડાપ્રધાન મોદીને ફીજીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું. આ પહેલ 'ગ્લોબલ સાઉથ'ના દેશોના સહયોગ અને સ્વતંત્રતાને સન્માન આપવાનો ભારતનો પ્રયાસ દર્શાવે છે.


 

(9:25 PM IST)