<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

મોદીએ નિકોલમાં ૫૪૦૦ કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

ગુજરાત મેન્યુફેક્ચકિંગ હબ બન્યું : વડાપ્રધાનઃઓપરેશન સિંદુર અમારી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતિક બન્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ, તા.૨૫

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી હતી. પીએમ મોદીએ હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજીને સભા સ્થળે પહોંચ્યા હતા. નિકોલમાં સભા સ્થળ પર પીએમ મોદીને સ્મૃતિ ચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા સ્થળ પર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ૫૪૦૦ કરોડથી વધુ રૃપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેમાં તેમણે પીએમ મોદીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પીએમ મોદી દ્વારા જે પણ વિકાસના કામ કરાવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો.  નિકોલમાં સભાને સંબોધનને કરતા વડાપ્રધાન મોદીએ અમદાવાદના જુના દિવસો યાદ કર્યા અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે અમદાવાદ પહેલા અનેક હુલ્લડો થયા અને કેન્દ્ર સરકાર બેઠાબેઠા જોતી હતી.

વડાપ્રધાને ગુજરાતીમાં આજે તો તમે રંગ રાખ્યો છે હોં એમ કહેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર વિચાર આવે કે કેવું નસીબ છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશિર્વાદ મળ્યાં છે. આપ સૌનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેમણે કહ્યું હતું કે, આ સમયે દેશભરમા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાના આશિર્વાદથી અમે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના શ્રીગણેશ થયાં છે. હું આ વિકાસ માટે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

ચોમાસાની સિઝનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દેશમાં પણ વાદળ ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ટીવી પર જ્યારે વિનાશ લીલા જોઈએ છીએ ત્યારે ખુદને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. હું તમામ પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૃ છું. ગુજરાતની આ ધરતી એ  બે મોહનની ધરતી છે. એક સુદર્શન ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન એટલે સાબરમતીના સંત મહાત્મા ગાંધીની ભૂમિ છે. ભારત આજે આ બંનેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થઈ રહ્યો છે. સુદર્શન ચક્ર ધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશ અને સમાજની રક્ષા કેવી રીતે કરવી જોઈએ. તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવ્યું છે. જે દુશ્મનને પાતાળમાંથી શોધીને સજા આપે છે. આજે આ ભાવ ભારતના ફેંસલાથી દુનિયા અનુભવી રહી છે.

તેમણે કહ્યું હતું કે, તમે અમદાવાદીઓએ કેવા કેવા દીવસો જોયા છે. જ્યારે હુલ્લડબાજો અને ચક્કા ચાલવનારાઓ લોકોને ઢાળી દે. કર્ફ્યૂમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજિત થઈ જાય છે.  આતંકવાદીઓ આપણુ લોહી વહાવે છે અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈજ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. ચાહે તેઓ ક્યાંય પણ છુપાયા હોય દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો છે. ૨૨ મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું. સેંકડો કિ.મી અંદર જઈને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદુર અમારી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતિક બન્યું છે. ચરખા ધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. આ આશ્રમ તેનો સાક્ષી છે. જે પાર્ટીએ તેમના નામનો લાભ લઈને સત્તા સુખ ભોગવ્યું તેને બાપુની આત્માને કચડી નાંખ્યું. બાપુના સ્વદેશીના મંત્ર સાથે શું કર્યું.

તમે એ લોકોના મોઢે ક્યારેય સ્વચ્છતા અને સ્વદેશી શબ્દ નહીં સાંભળ્યો હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. ૬૦થી ૬૫ વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસ  પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો,  પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે. આપણા ગુજરાતમાં તો પશુપાલકો એટલી બધી સંખ્યામાં છે. પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું મોટુ યોગદાન છે. બહેનોએ પશુપાલનમાં યોગદાન આપીને આપણા ડેરી સેક્ટરને આત્મનિર્ભર બનાવ્યું. જેના ચારે તરફ જયગાન ચાલી રહ્યાં છે.

આજે દુનિયામાં આર્થિક સ્વાર્થ વાળી રાજનીતિમાં સૌ કોઈ પોતાનું કરવા મથી રહ્યુ ંછે. તેને આપણે જોઈ રહ્યાં છીએ. હું અમદાવાદની આ ધરતી  પરથી આપણા નાના ઉદ્યમીઓ અને નાના વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને કહીશ કે હું ગાંધીની ધરતી પરથી બોલી રહ્યો છું.

દરેક માટે હું તમને વારંવાર વાયદો કરૃ છું. મોદી માટે તમારુ હીત સર્વોપરી છે. મારી સરકાર, પશુપાલકો, ખેડૂતો અને નાના વેપારીઓનું ક્યારેય અહિત નહીં કરવા દે. આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ બન્યું છે તેના સુખદ પરિણામ આપણે ચારે તરફ જોઈ રહ્યાં છીએ. આજે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝનો વિસ્તાર ગુજરાતમાં થઈ રહ્યો છે. કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવાની સજ્જડ તૈયારી કરાઈ હતી. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા હતા. પીએમ મોદીએ નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કર્યો

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે રુ. ૨૨૦૯ કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૃ ૯૧૬ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું. રૃ. ૧૩૩ કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-૩ની ઝૂંપડપટ્ટીના વિકાસનું પણ લોકાર્પણ કરાયું.

આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાયું.

(10:10 PM IST)