<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સુપ્રીમ કોર્ટનો કડક સવાલ: 'ગુરુરબ્રહ્મ' ગાવાનો શો અર્થ, જો શિક્ષકોને સન્માનજનક પગાર ન મળે?

ગુજરાતમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોના ઓછા પગાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ!: સુપ્રીમ કોર્ટનો ગુસ્સો: સમાન કામ, સમાન પગાર: ખાલી જગ્યાઓ પર સવાલ: કડક પગલાંની અપેક્ષા

ભારતની સર્વોચ્ચ અદાલતે દેશમાં શિક્ષકોની આર્થિક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સહાયક પ્રોફેસરોને માત્ર 30,000 રૂપિયા પગાર મળવા પર સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ટીકા કરી છે.

સુપ્રીમ કોર્ટનો ગુસ્સો:
જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે, જો સમાજમાં શિક્ષકોને સન્માનજનક વેતન ન આપી શકાય, તો ‘ગુરુરબ્રહ્મ, ગુરુરવિષ્ણુ’ જેવા મંત્રો અને સ્તુતિઓ ગાવાનો કોઈ અર્થ નથી.

કોર્ટે ટિપ્પણી કરી કે શિક્ષકો કોઈપણ દેશના ભવિષ્યનો પાયો હોય છે. તેઓ બાળકોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે અને પ્રગતિનો માર્ગ બતાવે છે. બેન્ચે કહ્યું કે, જે લોકો આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય ઘડી રહ્યા છે, તેમની સાથે આવો વ્યવહાર સહન કરી શકાય નહીં.

સમાન કામ, સમાન પગાર:
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે નિયમિત અને એડહોક પ્રોફેસરોનો પગાર 1.2 થી 1.4 લાખ રૂપિયા છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા પ્રોફેસરોને માત્ર 30,000 રૂપિયા આપવા એ અત્યંત ચિંતાજનક છે. કોર્ટે 'સમાન કામ, સમાન પગાર'ના સિદ્ધાંત પર ભાર મૂક્યો અને કહ્યું કે શિક્ષકોના આ અમૂલ્ય યોગદાનને માન્યતા આપવી ખૂબ જરૂરી છે.

ખાલી જગ્યાઓ પર સવાલ:
અદાલતે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ગુજરાતમાં 2720 ખાલી જગ્યાઓ હોવા છતાં, માત્ર 923 જગ્યાઓ પર જ કાયમી ભરતી થઈ છે. બાકીની મોટાભાગની જગ્યાઓ એડહોક અને કોન્ટ્રાક્ટના આધારે ભરીને શિક્ષણ કાર્યને અસર થઈ રહી છે.

આ નિર્ણય દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ શિક્ષકોના હકો અને સન્માન પ્રત્યે કેટલી ગંભીર છે અને ભવિષ્યમાં આ મુદ્દા પર વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

(12:06 AM IST)