News of Tuesday, 26th August 2025
શ્રીજીના વધામણાઃ ચિત્રા નક્ષત્ર, શુભ યોગ બુધવારના સંયોગ વચ્ચે કાલે ગણેશ ચતુર્થી
આજે બપોરે ચતુર્થી તિથિ શરૂ પણ સૂર્યોદય તિથિમાં બુધવારે ઊજવાશે

મુંબઇ તા.૨૬: હિન્દુ શાસ્ત્રોમાં દેવાધિદેવ તરીકે પ્રથમ પૂજનીય એવા ગણેશજીની પૂજા-અર્ચના, આગતા સ્વાગતાના ઉત્તમ અવસર એવા ગણેશોત્સવનો આવતીકાલે બુધવારથી આરંભ થશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આલાગાઉન્ડ ઉજવણી સાથે જ દેશભરમાં પર્વની રોનક દેખાશે. શ્રીજી ઉત્સવના વધામણાં માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન ચિત્રા નક્ષત્ર, શુભ યોગ અને બુધવારના સંયોગ વચ્ચે આવતી કાલે બુધવારે ભાદરવા સુદ ચોથ નિમિત્તે ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. મંગળવારે બપોરે ચતુર્થી તિથિ શરૂ થઇ જશે, પરંતુ સૂર્યોદય તિથિમાં બુધવારે પર્વ ઉજવાશે. ૧૦ દિવસના ગણેશોત્સવ વેળાએ ઋષિ પાંચમ, દશાવતાર વ્રત સહિતના પ્રસંગોની પણ ઝાકમઝોળ દેખાશે.
બુધવારનો દિવસ દેવાધિદેવ, વિઘ્નહર્તા દેવ ગણેશજીને સમર્પિત થયો હોય કાલે બુધવારે ગણેશ ચતુર્થીને લઈને ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. જયોતિષીના જણાવ્યા મુજબ, મંગળવારે બપોરે ૧.૫૬ વાગ્યે ચતુર્થી તિથિ શરૂ થઈ રહી છે અને બુધવારે બપોરે ૩.૪૫ વાગ્યા સુધી ચતુર્થી રહેશે. સૂર્યોદય તિથિને ધ્યાને લેતાં બુધવારે ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે શ્રીજી પતિમાની સ્થાપના થશે. ૨૮મીએ ઋષિ-સામા પાંચમ, સ્તાનપર્વ, તરણેત્તર મેળો સમાપ્ત, મછિન્દ્રનાથ જયંતી, ૨૯મીએ બલરામ જયંતી, ૩૦મીએ ગૌરી આહ્વાન, ૩૧મીએ મહાલક્ષ્મી વતારંભ, દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, ૨ સપ્ટેમ્બરે દશાવતાર વત. ૩જીએ પરિવર્તની-જલજીલણી એકાદશી, ૪થીએ વિષ્ણુ પરિવર્તનોત્સવ, વામન જયંતી જેવા પ્રસંગો બાદ ૬ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે ગણેશોત્સવની પૂર્ણાહુતિ થશે.(૩૮.૧૪)
સવાર અને સાંજે શુભ, અમૃત ચોઘડિયામાં સ્થાપનાનું મુહૂર્ત
જ્યોતિષીના જણાવ્યા મુજબ, વિઘ્નહર્તા દેવની સ્થાપના માટે ચતુર્થીએ દરેક સમય શુભ હોય છે. તેમ છતાં યોઘડિયા અને તિથિ પ્રમાણે જોઇએ તો સવારે ૧૦.૫૩થી ૧૨.૨૮ વાગ્યા સુધી સ્થાપનાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ સમયે શુભ ચોઘડિયું છે. આ સિવાય સવારે ૬.૦૯થી ૭.૪૪ સુધી લાભ, ૭.૪૪થી ૯.૧૮ વાગ્યા સુધી અમૃત, સાંજે ૩.૩૮થી ૫.૧૩ વાગ્યા સુધી ચલ, ૫.૧૩થી ૬.૪૮ વાગ્યા સુધી લાભ, મોડી સાંજે ૮.૧૩ વાગ્યાથી ૯.૩૮ વાગ્યા સુધી શુભ, ૯.૩૮થી ૧૧.૦૩ વાગ્યા સુધી અમૃત ચોઘડિયું આવે છે. સાંજે ૩.૪૫ વાગ્યે ચતુર્થી તિથિ પુરી થઇ રહી છે. તેને જોતાં ભક્તો પોતાની અનુકુળતા પ્રમાણે ગણેશજીની સ્થાપના કરી શકે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
