<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ઓનર કિલિંગ માટે ‘રામાયણ-મહાભારત અને બ્રાહ્મણવાદી વિચારધારા જવાબદાર'

ડીએમકેના સાથીનું વિવાદાસ્‍પદ નિવેદનઃ તમિલનાડુના ભાજપ પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ નિવેદનનો સખત વિરોધ કર્યો : ડીએમકેના સાથી પક્ષના વીસીકે નેતા વન્નિયારાસુએ રામાયણ મહાભારતને ઓનર કિલિંગ માટે જવાબદાર ઠેરવ્‍યું

 

ચેન્નાઈ તા.૨૬: તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના સાથી વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (વીસીકે)ના નેતા વન્નિયારાસુએ એક કાર્યક્રમમાં હિન્‍દુ મહાકાવ્‍ય રામાયણ અને મહાભારતને ઓનર કિલિંગ માટે જવાબદાર ઠેરવતા વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ ગ્રંથોની વાર્તાઓ જાતિ આધારિત હિંસાને કાયદેસર બનાવે છે. તેમણે આ માટે ખાસ રામાયણને દોષી ઠેરવ્‍યું.

વન્નિયારાસુએ રામાયણના એક પ્રકરણનો ઉલ્‍લેખ કર્યો જેમાં એક બ્રાહ્મણ પોતાના મૃત બાળકને રામ પાસે લાવે છે અને તેમના પર શાસન નિષ્‍ફળ હોવાનો આરોપ લગાવે છે. રામ, આ જોઈને, પૂછે છે કે શું થયું. બ્રાહ્મણ જવાબ આપે છે કે તેમનું શાસન બગડ્‍યું છે અને ધર્મ બદલાઈ ગયો છે, જેના કારણે ખરાબ ઘટનાઓ બની છે. જ્‍યારે રામ ફરીથી પૂછે છે કે શું થયું, ત્‍યારે બ્રાહ્મણ તેને જંગલમાં જઈને જાતે જોવાનું કહે છે.

વન્નિયારાસુએ વાર્તાનો ઉલ્‍લેખ કરીને કહ્યું, રામ જંગલમાં જાય છે અને સંપુહન નામના એક આદિવાસી માણસને ઊંધો લટકાવીને તપસ્‍યા કરતા જુએ છે. રામ તેને પૂછે છે કે તે નીચી જાતિનો હોવા છતાં કેવી રીતે તપસ્‍યા કરી શકે છે. પછી રામ તેની તલવારથી તેનું માથું કાપી નાખે છે. જ્‍યારે સંપુહનનું લોહી મૃત બ્રાહ્મણ બાળકના શરીર પર છાંટવામાં આવે છે, ત્‍યારે તે પાછો જીવિત થાય છે.

વીસીકે નેતાએ દલીલ કરી હતી કે આવી વાર્તાઓ આંતર-જાતિય લગ્નોમાં હિંસાને યોગ્‍ય ઠેરવે છે અને તેને સનાતન અને વર્ણાશ્રમ વિચારધારાનો એક ભાગ ગણાવ્‍યો. વન્નિયારાસુએ કહ્યું, ઓનર કિલિંગ પાછળ એક વિચારધારા છે, અને તે છે સનાતન અને વર્ણાશ્રમ. આંબેડકર આ વિચારધારાનો અંત લાવવા માંગતા હતા.

તમિલનાડુના ભાજપ પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ વન્નિયારાસુના નિવેદનનો સખત વિરોધ કર્યો. તેમણે ડીએમકે અને તેના સાથીઓ પર સનાતન ધર્મ સામે નફરત ફેલાવવાનો આરોપ લગાવ્‍યો. અન્નામલાઈએ કહ્યું, રામાયણ અને ઓનર કિલિંગ વચ્‍ચે શું જોડાણ છે? શું ઈન્‍ડી ગઠબંધનના લોકોએ પોતાનો અંતરાત્‍મા ગુમાવી દીધો છે? વીસીકે નેતાએ ઉત્તરાકાંડનો ઉલ્‍લેખ કર્યો, જે વાલ્‍મીકિ રામાયણનો ભાગ નથી કે તે તમિલ કવિ કમ્‍બનના રામાયણમાં પણ શામેલ નથી. છતાં, આપણી સંસ્‍કૃતિને બદનામ કરવા માટે આવી વિકૃતિઓ નિર્લજ્જતાથી રજૂ કરવામાં આવી રહી છે.'

અન્નામલાઈએ તેને ડીએમકે અને તેના સાથીઓના સસ્‍તા રાજકીય વાણીકલા ગણાવ્‍યા અને કહ્યું, સનાતન ધર્મ હજારો વર્ષોથી હુમલાઓનો સામનો કરી રહ્યો છે અને આ રાજકીય રીતે પ્રેરિત હુમલાઓનો પણ સામનો કરશે. વન્નિયારાસુએ તેમના વિવાદાસ્‍પદ નિવેદનમાં જે વાર્તાનો ઉલ્‍લેખ કર્યો છે તે ઉત્તરાકાંડમાં શંભુક પ્રકરણ સાથે સંબંધિત છે. ઉત્તરાકાંડને રામાયણમાં પછીનો ઉમેરો માનવામાં આવે છે અને તેની પ્રામાણિકતા પર વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક તેને જાતિ વ્‍યવસ્‍થા દર્શાવતી કૃતિ માને છે, જ્‍યારે કેટલાક તેને મૂળ રામાયણનો ભાગ માનતા નથી.(૩૮.૮)

 

(1:47 PM IST)