<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ટ્રમ્પનો 'તુઘલકી' હુકમ: ફેડ ગવર્નર લિસા કૂકને હટાવ્યા, પરંતુ તેમને મળ્યો સ્પષ્ટ જવાબ - "આ રાષ્ટ્રપતિનો અધિકાર નથી!"

અમેરિકાના રાજકીય અને કાનૂની માળખામાં સત્તાના દુરુપયોગ સામે પડકારો: વ્હાઇટ હાઉસ કે ન્યાય વિભાગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ મામલો ગરમાશે તે ચોક્કસ

વોશિંગ્ટન ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫: અમેરિકાના રાજકારણમાં ફરી એક મોટો વિવાદ ઊભો થયો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો આદેશ જાહેર કર્યો, જેમાં તેમણે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પત્ર બહાર પાડીને આ જાહેરાત કરી, અને આ નિર્ણયને યુએસ બંધારણના આર્ટિકલ II અને ફેડરલ રિઝર્વ એક્ટ ૧૯૧૩ હેઠળ લીધો હોવાનો દાવો કર્યો.

આ આદેશ પાછળનું કારણ શું?
ટ્રમ્પના આ નિર્ણયનું મૂળ ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર વિલિયમ પુલ્ટેના ગુનાહિત આરોપોમાં છે. પુલ્ટેએ લિસા કૂક પર મોર્ટગેજ છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપો અનુસાર, કૂકે મિશિગન અને જ્યોર્જિયામાં પોતાની ઘણી મિલકતોને "પ્રાથમિક નિવાસસ્થાન" ગણાવીને અનુકૂળ લોન શરતો મેળવી હતી, જે નિયમોનું ઉલ્લંઘન હોવાનું મનાય છે.

પરંતુ આ 'તુંઘલકી' ફરમાન સામે કૂકનો સણસણતો જવાબ!
ટ્રમ્પના આ પગલા બાદ, લિસા કૂકના વકીલ એબે લોવેલે એક તત્કાળ નિવેદન બહાર પાડ્યું. તેમણે ટ્રમ્પના આદેશને "સંપૂર્ણપણે ગેરકાયદેસર" ગણાવ્યો. લોવેલે જણાવ્યું કે માત્ર એક રેફરલ લેટરના આધારે કોઈ ગવર્નરને પદ પરથી હટાવી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પને આવો કોઈ અધિકાર નથી.

આ લડાઈ હવે સીધી કોર્ટમાં જશે!
લિસા કૂક હવે આ નિર્ણયને કોર્ટમાં પડકારવા માટે તૈયાર છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ એક્ટ ૧૯૧૩ મુજબ, ગવર્નરને ફક્ત "કારણસર" એટલે કે ગંભીર ગેરવર્તણૂક અથવા બેદરકારીના કિસ્સામાં જ દૂર કરી શકાય છે. જો આ મામલો કોર્ટમાં જાય, તો તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે, જ્યાં યુએસ બંધારણ અને સત્તાની મર્યાદાઓ પર એક મોટી કાનૂની લડાઈ જોવા મળશે.

આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે અમેરિકાના રાજકીય અને કાનૂની માળખામાં સત્તાના દુરુપયોગ સામે કેવા પડકારો ઊભા થઈ શકે છે. ટ્રમ્પના આ નિર્ણય પર વ્હાઇટ હાઉસ કે ન્યાય વિભાગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ મામલો આવનારા દિવસોમાં ગરમાશે તે ચોક્કસ છે.

 

(5:08 PM IST)