News of Wednesday, 27th August 2025
૧ સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરીની શરુઆત
માત્ર ૩ કલાકમાં પહોંચી શકાશે રત્નાગિરીઃતે મુંબઈથી રત્નાગિરીના જયગઢને માત્ર ૩-૪ કલાકમાં અને સિંધુદુર્ગના વિજયદુર્ગને ૫-૬ કલાકમાં જોડશે

મુંબઈ, તા.૨૭
મુંબઈથી કોંકણની મુસાફરી હવે વધુ સરળ બનશે. ૧ સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો (રોલ-ઓન/રોલ-ઓફ) ફેરી સેવા શરુ થઈ રહી છે. તે મુંબઈથી રત્નાગિરીના જયગઢને માત્ર ૩-૪ કલાકમાં અને સિંધુદુર્ગના વિજયદુર્ગને ૫-૬ કલાકમાં જોડશે.
આ સેવા લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરીને લગભગ અડધી કરી દેશે. કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ હવે દરિયાઈ માર્ગ કોંકણના લોકો માટે એક નવી ભેટ હશે. શિપિંગ મંત્રી નિતેશ રાણેએ આ ફેરીનું નિરીક્ષણ કર્યું અને તેને કોંકણનું ગૌરવ ગણાવ્યું છે.
આ સેવાની શરુઆત પહેલા ગણેશ ચતુર્થીથી થવાની હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને ટાળીને ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી રહી છે.
રાણેએ જણાવ્યું કે, હવામાન હવે સારું થઈ રહ્યું છે અને આગામી પાંચ દિવસમાં ટેસ્ટ રન પછી ફેરી સવારે ૬ઃ૩૦ વાગ્યે ભાઉ ચા ધક્કા ટર્મિનલ(મુંબઈ)થી રવાના થશે. કોંકણની સુંદરતા ઝડપથી અને આરામથી જોવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે.
રો-રો ફેરીનો સૌથી મોટો ફાયદો એ તેનો સમય છે. મુંબઈથી રોડ માર્ગે વિજયદુર્ગ પહોંચવામાં ૧૦-૧૨ કલાક લાગે છે, પરંતુ ફેરી દ્વારા આ મુસાફરીમાં માત્ર ૫-૬ કલાક લાગશે.
બીજી તરફ મુંબઈથી જયગઢ સુધીની મુસાફરી ૩-૪ કલાકમાં પૂરી થઈ જશે. આ ફેરી ફક્ત લોકોને જ નહીં પરંતુ તેમના વાહનોને પણ લઈ જશે, જેનાથી આગળની મુસાફરી વધુ સરળ બનશે. ફેરીમાં ૫૦ ફોર-વ્હીલર અને ૩૦ ટુ-વ્હીલર લઈ જઈ શકાય છે.
આ સેવા મુંબઈ અને માંડવા (અલીબાગ) વચ્ચે દોડતી એક કલાકની રો-રો ફેરી જેવી જ છે, જે માર્ચ ૨૦૨૦માં શરુ થઈ હતી અને ખૂબ જ સફળ રહી. હવે આ નવી સેવા સાથે કોંકણના વધુ વિસ્તારોને જોડવાની યોજના છે. ભવિષ્યમાં શ્રીવર્ધન અને માંડવા જેવી નવા જેટી પણ સામેલ કરવામાં આવશે.
જાણો કેટલું છે ભાડું
રો-રો ફેરીમાં ચાર પ્રકારની ટિકિટો હોય છે, જે દરેક બજેટને અનુકૂળ હોય છે.
- ઈકોનોમી ક્લાસઃ પ્રતિ વ્યક્તિ ૨,૫૦૦ રૃપિયા
- પ્રીમિયમ ઈકોનોમીઃ પ્રતિ વ્યક્તિ ૪,૦૦૦ રૃપિયા
- બિઝનેસ ક્લાસઃ પ્રતિ વ્યક્તિ ૭,૫૦૦ રૃપિયા
- ફર્સ્ટ ક્લાસઃ પ્રતિ વ્યક્તિ ૯,૦૦૦ રૃપિયા
જો તમે તમારું વાહન લેવા માગતા હોય, તો તમારે કાર માટે રૃ. ૬,૦૦૦, ટુ-વ્હીલર માટેરૃ. ૧,૦૦૦ અને સાયકલ માટે રૃ. ૬૦૦ ચૂકવવા પડશે. આ કિંમતો સાંભળીને એવું લાગે છે કે મુસાફરી માત્ર ઝડપી જ નહીં પણ આરામદાયક પણ હશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
