<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

'તેમને ગુરુ કહેવાનું બંધ કરો': છોકરીઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપતા કથાકાર અનિરુદ્ધાચાર્ય પર બાબા રામદેવ ગુસ્સે થયા!

'અભદ્ર વાતો કરવી એ પોતે જ અભદ્રતા છે': અમેરિકાના ટેરિફ પર પ્રતિક્રિયા: આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો: દેશ ઉત્પાદન વધારીને આર્થિક દબાણનો સામનો કરી શકે છે.

નવી દિલ્હી : કથાવાચક અનિરુદ્ધાચાર્યના છોકરીઓ વિશેના વિવાદાસ્પદ નિવેદનો પર હવે યોગગુરુ બાબા રામદેવએ કડક પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે અનિરુદ્ધાચાર્યનું નામ લીધા વિના કહ્યું કે જે વ્યક્તિ સમાજમાં યોગદાન આપવાને બદલે માત્ર 'બકવાસ' વાતો કરે, તે સનાતન ધર્મનો સાચો ગુરુ ન હોઈ શકે અને આવા લોકોને ગુરુ કહેવાનું બંધ કરી દેવું જોઈએ.
   બાબા રામદેવે જણાવ્યું કે સનાતન ધર્મના સાચા ગુરુ એ છે જેમણે દેશના ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ કે અર્થતંત્રમાં કંઈક યોગદાન આપ્યું હોય. તેમણે કહ્યું કે અનિરુદ્ધાચાર્ય દ્વારા છોકરીઓના ચારિત્ર્ય પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે બાબા રામદેવે સ્પષ્ટતા કરી કે ચારિત્ર્ય અને પવિત્રતા દરેક વ્યક્તિમાં હોવી જોઈએ, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ.
   "કોઈપણ વર્ગને નિશાન બનાવવો અને અભદ્ર વાતો કરવી એ પોતે જ અભદ્રતા છે. કોઈ પણ સભ્ય વ્યક્તિ આવી વાત ન કરી શકે," તેમણે ઉમેર્યું. તેમણે સનાતન ધર્મના અનુયાયીઓને હાથ જોડીને અપીલ કરી કે આવા નિવેદનો આપનાર વ્યક્તિઓથી દૂર રહે.
   આ મુલાકાત દરમિયાન, બાબા રામદેવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેક્સ વધારવાના મુદ્દા પર પણ વાત કરી. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતાના દેશમાં ઉત્પાદન વધારવા માટે ટેરિફ લગાવી રહ્યા છે, પરંતુ અમેરિકામાં વેતન અને સંસાધનો એટલા મોંઘા છે કે આ નીતિ સંપૂર્ણપણે સફળ નહીં થઈ શકે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારત પોતાના દેશમાં ઉત્પાદન વધારીને આવા આર્થિક દબાણનો સામનો કરી શકે છે

(8:36 PM IST)