News of Wednesday, 27th August 2025
'જો PLAમાં નહીં જોડાવ તો બ્લેકલિસ્ટ કરીશું': ચીનની તિબેટી યુવાનોને ધમકી, સૈનિકોની અછત પૂરી કરવા માટે ક્રૂર રણનીતિ!
ચીન ખાસ કરીને એવા કુશળ તિબેટી યુવાનોને સેનામાં સામેલ કરવા માંગે છે જેમના એક માતા-પિતા ચીની હોય, જેથી તેમની વફાદારી સુનિશ્ચિત કરી શકાય

નવી દિલ્હી : ચીન દ્વારા તિબેટમાં સૈન્ય ભરતી માટે યુવાનો પર જોરદાર દબાણ કરવામાં આવી રહ્યું છે. એક નવા ગુપ્તચર અહેવાલ મુજબ, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) માં જોડાવાનો ઇનકાર કરનાર કોઈપણ તિબેટી યુવાનને સરકારી બ્લેકલિસ્ટમાં મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ક્રૂર રણનીતિ ચીનની એક-બાળક નીતિ (One-Child Policy) ના કારણે પેદા થયેલી સૈનિકોની અછતને પૂરી કરવા માટે અપનાવવામાં આવી છે.
તિબેટી યુવાનો પર દબાણ અને પ્રતિબંધો
આ વર્ષે ૧ જાન્યુઆરીથી કિંગહાઈ અને સિચુઆનના તિબેટીયન સ્વાયત્ત વિસ્તારોમાં સૈન્ય ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, યુવાનો પર સૈન્યમાં જોડાવા માટે દબાણ કરવા માટે અમાનવીય પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. જે યુવાનો ઇનકાર કરે છે, તેમના પર નીચે મુજબના પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે:
• સામાજિક સુરક્ષા લાભો બંધ કરવા
• આઈડી કાર્ડ અને ઘરગથ્થુ નોંધણી રદ કરવી
• સરકારી અને ખાનગી નોકરીઓની તકો બંધ કરવી
• મુસાફરી પર પ્રતિબંધ
• સરકારી બ્લેકલિસ્ટમાં નામ મૂકવું
આ પ્રતિબંધોના કારણે તિબેટના યુવાનોને મુસાફરી કરવા, હોટેલમાં રોકાવવા કે કોઈ નોકરી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
કુશળ માનવશક્તિની અછત
અહેવાલ મુજબ, ચીન ખાસ કરીને એવા કુશળ તિબેટી યુવાનોને સેનામાં સામેલ કરવા માંગે છે જેમનો એક માતા-પિતા ચીની હોય, જેથી તેમની વફાદારી સુનિશ્ચિત કરી શકાય. આ માટે, ચીન દાયકાઓથી તિબેટી છોકરીઓ સાથે બળજબરીથી લગ્ન કરાવી રહ્યું છે.
ચીનનો લક્ષ્યાંક દર વર્ષે ૨૦ થી ૨૨ હજાર કુશળ તિબેટી યુવાનોની ભરતી કરવાનો હતો, પરંતુ અત્યાર સુધી ફક્ત ૭ થી ૮ હજારની જ ભરતી થઈ શકી છે. આ નિષ્ફળતાને કારણે હવે ચીને ધમકી અને બ્લેકલિસ્ટિંગ જેવી યુક્તિઓ અપનાવવી પડી છે, જે તિબેટમાં માનવ અધિકારના ઉલ્લંઘનનો સ્પષ્ટ સંકેત આપે છે. આ પરિસ્થિતિ તિબેટી યુવાનો માટે ભારે સંકટ ઊભું કરી રહી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
