News of Friday, 29th August 2025
લગ્નમાં ૩૫ લાખનો ખર્ચઃ ૩૨ મહિના પછી પત્નીનું મોતઃ પતિ પર દહેજ હત્યાનો આરોપ
પતિ IT નોકરી છોડીને પાણીપુરી વેચી રહ્યો હતો

બેંગ્લોર,તા.૨૯: એક ચોંકાવનારા કેસમાં, બેંગ્લોર પોલીસે પ્રવીણ નામના એક વ્યક્તિની પત્ની શિલ્પા પંચાંગમથને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે શિલ્પા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. શિલ્પાની માતા શારદાએ પ્રવીણ અને તેની માતા પર દહેજ માટે ત્રાસ અને માનસિક-શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે.
શિલ્પાના લગ્ન ૫ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ થયા હતા. શિલ્પાના પરિવારનું કહેવું છે કે તેમણે લગ્નમાં લગભગ ૩૫ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા અને વરરાજાને ૧૫૦ ગ્રામ સોનું આપ્યું હતું. લગ્ન પછી, આ દંપતી બેંગ્લોરના ગ્વ્પ્ લેઆઉટમાં રહેવા લાગ્યું. પ્રવીણ પહેલા વ્હાઇટફિલ્ડમાં ઓરેકલ કંપનીમાં સોફટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો, પરંતુ તેણે નોકરી છોડી દીધી અને પાણીપુરી વેચવાનો ધંધો શરૂ કર્યો. આ દંપતીનો એક નાનો પુત્ર છે જેનું નામ વિહાન છે.
૨૬ ઓગસ્ટના રોજ, શિલ્પાના પરિવારને માહિતી મળી કે તેણીએ આત્મહત્યા કરી છે. જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે તેમને શિલ્પા ચાદરથી ઢંકાયેલી પલંગ પર મૃત હાલતમાં મળી. શારદાની ફરિયાદના આધારે, બેંગ્લોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પ્રવીણની ધરપકડ કરી. પોલીસે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપસર કેસ નોંધ્યો છે.
શિલ્પાની માતા શારદાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન પછી, પ્રવીણ અને તેની માતાએ શિલ્પાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેમણે પ્રવીણના પાણીપુરીના વ્યવસાય માટે શિલ્પા પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી. જ્યારે શિલ્પા અને તેના પરિવારે આ માંગણી પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી, ત્યારે પ્રવીણે કથિત રીતે શિલ્પાને માર માર્યો અને તેને તેના મામાના ઘરે મોકલી દીધી. શારદાએ જણાવ્યું કે ખૂબ જ મુશ્કેલીથી તેઓએ પૈસા ભેગા કર્યા અને શિલ્પાને તેના સાસરિયાના ઘરે પાછી મોકલી, પરંતુ તેનો ત્રાસ ત્યાંથી અટક્યો નહીં. અને અંતે શિલ્પા મૃત્યુ પામી. (૪૦.૧૨)
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
