News of Friday, 29th August 2025
ભૂજની સંસ્કાર કોલેજની BCAની વિદ્યાર્થીનીની હત્યા
ગાંધીધામથી આવેલા બે મિત્રો અને યુવતિ વચ્ચે ‘તે મને શા માટે બ્લોક કર્યો' તે બાબતે ડખ્ખો સર્જાયો : એક યુવકે યુવતિ અને બીજા મિત્રને છરી ઝીંકીઃ યુવતિનું મોત-મિત્ર સારવારમાં: આરોપીની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા. ર૯ :.. ભુજમાં છરી વડે કરાયેલ હુમલામાં ઘવાયેલી યુવતીનું મોત થયું છે.
સંસ્કાર કોલેજમાંથી છૂટેલી યુવતી ઉપર આ હુમલો થયો હતો.
સોશ્યલ મીડિયામાં બ્લોક કરતા યુવાને હુમલો કર્યો હતો વચ્ચે પડેલ મિત્રને પણ છરી મારી હતી, ગઈકાલે સાંજે બનેલા આ બનાવમાં ઘવાયેલી યુવતી સાક્ષી ખાનીયાનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. હવે આ ગુનો હત્યામાં ફેરવાયો છે. કોલેજ છૂટયા બાદ હોસ્ટેલ તરફ જતી સાક્ષીને મળવા આવેલા મોહિત મૂળજી સિદ્ધપુરાએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વચ્ચે પડનાર જયેશ જયંતી ઠાકોરને છરી મારતા તે ઘાયલ થયો છે અને સારવાર હેઠળ છે.
શિક્ષણ સંસ્થાઓ હવે મારામારીનું કેન્દ્ર બની ચર્ચા સર્જી રહી છે. ગઈકાલે સાંજે ભુજની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની ઉપર છરી વડે હુમલો કરાયાના બનાવે ચકચાર સર્જી છે.
બીસીએમાં ભણતી સાક્ષી ખાનીયા નામની યુવતીને છરી વડે કરાયેલા હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમ જ તેની સાથે જયેશ જયંતીજી ઠાકોર નામના યુવાનને પણ પીઠમાં ઇજાઓ પહોંચી છે. ગાંધીધામની રહેવાસી યુવતી ભુજમાં હોસ્ટેલમાં રહી સંસ્કાર કોલેજ ભુજમાં અભ્યાસ કરે છે. સાંજે કોલેજ છૂટયા બાદ તેને ગાંધીધામથી બે યુવા મિત્રો મળવા આવ્યા હતા. ત્યાર બાદ તેમની ત્રણેય વચ્ચે કોઈ બાબતે ડખો થયો હતો. એટલે એક યુવાને યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તે સમયે સાથે રહેલ મિત્ર તેને રોકવા જતા તેની ઉપર પણ છરી વડે હુમલો કરી હુમલો કરનાર યુવાન નાસી છૂટયો હતો.
દરમ્યાન કોલેજીયન યુવતી ઉપર છરી વડે હુમલો કરવાના આ ચકચારી બનાવ બાદ પોલીસે હુમલો કરનાર આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા (રહેવાસી, ભારતનગર, ગાંધીધામ) ને ઝડપી લીધો છે.
માહિતી અનુસાર યુવતી સાક્ષીએ હુમલાખોર યુવાન મોહિતને સોશ્યલ મીડિયામાં બ્લોક કરી દેતા યુવાને તેં મને શા માટે બ્લોક કર્યો એવું પૂછી ડખ્ખો કર્યો હતો. યુવતીએ હું તારી સાથે કોઈ વ્યવહાર સબંધ રાખવા ઇચ્છતી નથી એવું કહેતા ઉશ્કેરાયેલ યુવાન મોહિતે યુવતી સાક્ષીના ગળાના ભાગે છરી મારી હતી. ત્યારે મોહિત સાથે આવેલ જયેશ વચ્ચે પડતા મોહિતે જયેશને પણ પીઠમાં છરી ઝીંકી દીધી હતી. યુવતી અને યુવાન બંને ગાંધીધામમાં પડોશમાં રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ બનાવ કોલેજ છૂટયા બાદ કોલેજના પરિસર બહારના એપ્રોચ રોડ ઉપર બન્યો હોવાની કોલેજ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. યુવતી ઉપર હુમલો થયા બાદ ભાનુશાલી સમાજના આગેવાનો મદદે દોડી આવ્યા હતા. તેમ જ તેના માતા પિતા પણ ગાંધીધામથી ભુજ આવી ગયા હતા. એક અઠવાડિયામાં ભુજ, ગાંધીધામ, આદિપુર અને ફરી ભુજનો હુમલાનો આ ચોથો બનાવ એ સૂચવે છે કે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકોની સલામતીનો મુદ્દો વિચાર માંગી લે છે.(પ-
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
